ભારતની ટેબલ ટેનિસની ખેલાડી ભાવિના પટેલે ટોકિયો પેરાલિમ્પક્સમાં ગુજરાતને ગજવ્યું છે. ભાવિનીએ મહિલા સિંગલ્સ ક્લાસ-4ના સેમિફાઇનલ મેચમાં ચીનની ઝાંગ મિયાઓને હરાવી ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ભાવિનાની જીતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધામણા આપ્યા હતા.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની પેરાએથ્લિટે આ મેચ 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી જીતી ઇતિહાસ રચ્યો હતો. હવે ભાવિના ગૉલ્ડ મેડલ માટે મુકાબલો યિંગ ઝોઉ સાથે થશે. ફાઇનલ મેચ આજે રમાશે. ભાવિનાની ઐતિહાસિક જીતને પગલે વડાપ્રધાને શુભેચ્છા સંદેશમાં જણાવ્યુ હતું કે, તમારી ઉપલબ્ધિ સમગ્ર દેશને પ્રેરિત કરશે.
વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યું, ભાવિના પટેલ તમે ઘણું સારૂં રમ્યા, સમગ્ર દેશ તમારી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે, ફાઇનલમાં તમે તમારૂં શ્રેષ્ઠ પ્રદાન કરજો અને કોઈ પણ દબાણ વગર રમજો, તમારી ઉપલબ્ધિ સમગ્ર દેશને પ્રેરિત કરે છે.
સેમિફાઇનલમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતી ઝાંગ મિયાઓએ જોરદાર શરૂઆત કરી પહેલો સેટ જીતી લીધો. ત્યાર બાદ ભાવિનાએ જબરજસ્ત કમબેક કરી બીજો અને ત્રીજો સેટ જી. પરંતુ ચોથા સેટમાં ઝાંગ મિયાઓએ વળતી લડત આપી ચોથો સેટ જીતી લીધો. પાંચમા અને નિર્ણયાત્મક સેટમાં ભાવિનાએ આક્રમક રમત દાખવી અને એની સામે ચીની ખેલાડીની કોઈ કારી ફાવી નહીં. પાંચમો સેટ 11-8થી જીતી ભાવિનાએ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી.
પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ સ્પર્ધાની મહિલા સિંગલ્સમાં પહોંચનારી ભાવિના પટેલ દેશની પહેલી એથ્લિટ છે.