દિલ્હી એક્સાઇસ પૉલિસી મામલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પીએમએલએ કોર્ટે છ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. શરાબ ગોટાળા મામલે ઈડીએ ગુરુવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ આજે રાઉસ એવેન્યુ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઈડીએ દિલ્હી શરાબ ગોટાળા મામલે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગુરુવારે સાંજે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને ગઈ હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તલાશી બાદ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી. પીએમએલએ કોર્ટમાં આજે શરાબ ગોટાળા કેસની સુનાવણી થઈ હતી. આજે સવારે કેજરીવાલના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી શરૂ થાય એ પહેલાં જ કેજરીવાલે તેમની અરજી પાછી ખેંચી હતી.
અરવિંદ કેજરીવાલની ધરપકડના પગલે આપના કાર્યકર્તાઓએ દિલ્હી સહિત દેશના અન્ય વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. દિલ્હીમાં દેખાવ કરી રહેલા આપ સરકારના પ્રધાન આતિશી સહિત અન્ય કાર્યકરોને અટકમાં લીધાં હતાં.