ભારતીય જનતા પક્ષે આજે રાષ્ટ્રપતિ પદ માટેના એનડીએના ઉમેદવારની જાહેરાત કરી છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે જે. પી. નડ્ડાએ પત્રકાર પરિષદમાં એનડીએના ઉમેદવાર તરીકે ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત કરી તેમને જન્મ દિવસની અનોખી ભેટ આપી હતી. નડ્ડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રપતિના નામ અંગે સર્વસંમતિ બને એ માટે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી. પરંતુ આજે વિરોધ પક્ષોએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી હોવાથી સર્વસંમતિની શક્યતા ન રહેતા અમે એનડીએના ઉમેદવારના નામની જાહેરાત કરી રહ્યા છીએ.
આ અગાઉ રાષ્ટ્રપતિના ઉમેદવારના નામ અંગે પક્ષના મુખ્યાલયમાં ભાજપ સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રિય સડક પરિવહન પ્રધાન નિતિન ગડકરી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ઉપરાંત સંસદીય બૉર્ડના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ સંસદીય બૉર્ડની મહત્ત્વપૂર્ણ બેઠક પહેલા ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને મળ્યા હતા. આ મુલાકાત બાદ એવું ચર્ચાઈ રહ્યું હતું કે એમ. વેંકૈયા નાયડુને એનડીએના ઉમેદવાર બનાવવાનું વિચારાઈ રહ્યું છે.
ભારતીય જનતા પક્ષની મંગળવારે મળેલી સંસદીય દળની બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનાં નામના નામ પર મહોર લગાવી હતી. દ્રૌપદી મુર્મૂ પહેલાં આદિવાસી મહિલા છે જે રાષ્ટ્રપતિ હશે.
હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિરોધ પક્ષોએ તેમના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંત સિન્હાનું નામ જાહેર કર્યા બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી અનિવાર્ય બની છે. હાલના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંખ્યાબળની દૃષ્ટીના આધારે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ મજબૂત સ્થિતિમાં છે. દ્રૌપદી મુર્મૂ મૂળ ઓરિસાના હોવાથી ઓરિસાની સત્તાધારી પક્ષ બીજેડીનો સાથ મળવાની સંભાવના પણ વધી જાય છે. ઉપરાંત આંધ્ર પ્રદેશની સત્તાધારી પાર્ટી વાયએસઆર કૉંગ્રેસનું સમર્થન મળે એવી પૂરી શક્યતા હોવાથી મુર્મૂની જીત નિશ્ચિત ગણાશે.
કોણ છે એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ?
દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓરિસામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમનાં લગ્ન શ્યામ ચરામ મુર્મૂ સાથે થયા હતા. તેઓ ઓરિસાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. દ્રૌપદી મુર્મૂ અનેક મુસીબતોનો સામનો કરી આ સ્થાને પહોંચ્યાં છે. તેમના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા હતા.
દ્રૌપદી મુર્મૂએ 1997માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મૂ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં નગરસેવિકા તરીકે ચૂંટાયાં હતાં. એ જ વરસે મુર્મુને ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યાં.
રાજકારણમાં જોડાયા એ પહેલાં, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક પ્રોફેસર તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર આસિસ્ટંટ તરીકે કામ કર્યું હતું.
2002 થી 2009 અને ફરીથી 2013માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ દ્રૌપદી મુર્મૂએ સેવા આપી હતી. ઓરિસામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને બીજેડી-ભાજપની ગઠબંધન સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતાં. ઓરિસામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન, વાણિજ્ય અને પરિવહન ઉપરાંત મત્સ્ય અને પ્રાણી સંસાધન વિકાસ ખાતાનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.
2007માં તેમને ઓરિસા વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં અને તેમને નીલકંઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મુર્મુ ભાજપના આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહી ચુક્યાં છે.