મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા ખેડૂત પરિવારમાં જન્મેલા સુરેશચંદ પ્રેમચંદ જૈન નાનપણમાં આઠ કિલોમીટર ચાલી સ્કૂલમાં ભણવા જતાં. તો એસએસસી કર્યા બાદ રોજેરોજ પચીસ કિલોમીટરનો બસ પ્રવાસ કરી કૉલેજ જતા. ગ્રેજ્યુએશન પૂરૂં કર્યા બાદ ઉજ્જૈનમાં રહી તેમણે સીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ ટેક્સેશન અને મેનેજમેન્ટની પ્રેક્ટિસ શરૂ કરી. અમે અમારા ક્લાયંટને નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરાવવામાં સહાય કરતા. દરમિયાન વિચાર આવ્યો કે અન્યોને બિઝનેસ શરૂ કરાવી એને સફળ બનાવીએ છીએ તો આપણો પોતાનો બિઝનેસ કેમ શરૂ ન કરવો? ચર્ચા-વિચારણાને અંતે નક્કી કર્યું કે જે બિઝનેસ પ્રોફેશનલી ચાલતો હોય એ શરૂ કરીએ. અને અમે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પર પસંદગી ઉતારી.
મારી સીએની પ્રેક્ટિસ ચાલુ રાખીને જ 1988માં પુણે ખાતે 75 રૂમની હોટેલ શરૂ કરી. ચાર-પાંચ વરસ થવા છતાં એ પ્રોફિટ કરતી નહોતી. એટલે એનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું અને એમાં વધારાના ચાલીસ રૂમો ઉમેર્યા. એ સાથે એને ફાઇવસ્ટાર હોટેલ બનાવી. ઘણાએ મને આવું કરતા વાર્યો. પણ મારો જવાબ હતો, વિકાસ માટે વિસ્તરણ જરૂરી છે. આને કારણે ધંધો વધશે અને ખોટ ઘટશે. હોટેલ 112 રૂમની થયા બાદ ધંધો વધ્યો અને નવી નવી હોટેલો હસ્તગત કરવાની શરૂઆત કરી. અમે એવી હોટેલ હસ્તગત કરવાની શરૂઆત કરી જેનો ધંધો નબળો હોય. એ સાથે લોકેશન સારું હોય અને એને ફાઇવસ્ટાર હોટેલમાં સરળતાથી કન્વર્ટ કરી શકાય. શોધ દરમિયાન અમને પહેલી પ્રોપર્ટી નાગપુર ખાતે મળી. આ હોટેલ પણ 70-80 રૂમની હતી જે વધારીને અમે સવાસો રૂમની કરી. ત્યાર બાદ અમદાવાદ ખાતે એક હોટેલ હસ્તગત કરી.
અમદાવાદની હોટેલ તૈયાર હતી પણ શરૂ કરાઈ નહોતી. એ સમયે અમદાવાદમાં સો કરતા વધુ રૂમની એક પણ હોટેલ નહોતી. અમે અમદાવામાં પહેલીવાર 165 રૂમ સાથેની હોટેલ શરૂ કરી. અમને ઘણાએ સલાહ આપી કે અમદાવાદમાં દારૂબંધી હોવાથી ધાર્યો બિઝનેસ મળશે નહીં પણ અમે બધાની ધારણાઓને ખોટી પાડી. હોટેલ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી હતી. એનું કારણ અમારી સર્વિસ અને જજીસ બંગલા જેવું પ્રાઇમ લોકેશન. હવે અમે એનું વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
ત્યાર બાદ જ્યાં અમને હોટેલ ન મળી ત્યાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કર્યા. હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા ખાતે હોટેલ્સ શરૂ કરી. દિલ્હીમાં અમને જગ્યા ન મળી એટલે ઍરોસિટી ખાતે સૌથી મોટી 400 રૂમ ધરાવતી હોટેલ શરૂ કરી. અહીં ચાર-પાંચ હોટેલ્સ છે પણ એ બધી ફોરેન બ્રાન્ડ છે. જ્યારે પ્રાઇટ એકલી એવી હોટેલ છે જે પૂર્ણપણે ભારતીય બ્રાન્ડ છે. અમને એ વાતનો ગર્વ છે કે અમારી હોટેલ પૂર્મપણે સ્વદેશી છે અને ભારતીય પદ્ધતિથી ચલાવીએ છીએ. અમારી પ્રાઇડ બ્રાન્ડ દેશની સૌથી મોટી સ્વદેશી બ્રાન્ડની હોટેલ ચેઇન છે. અમારી પાસે ફાઇવ સ્ટાર થી લઈ દરેક પ્રકારની બ્રાન્ડ છે. અમારી ફોર અને ફાઇવ સ્ટારનું મિશ્રણ ધરાવતી હોટેલની સાથે રિસોર્ટ પણ છે.
ગુજરાતમાં પણ અમારી ખાસ્સી હાજરી છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા ઉપરાંત અન્ય શહેરો મળી કુલ વીસેક હોટેલ્સ ગુજરાતમાં છે. તો ભારતના 14 રાજ્યોમાં અમારી 60 જેટલી હોટેલ્સ અને ત્રીસેક જેટલા રિસોર્ટ છે. માત્ર મોટા શહેરોમાં જ નહીં, રિલિજિયસ ટુરિઝમ માટે જાણીતા હરિદ્વાર સહિતના અનેક યાત્રાધામ ખાતે પણ પ્રાઇડની હાજરી જોવા મળશે. અમારી વિવિધ કેટેગરીની હોટેલમાં સાડા ત્રણ હજારથી લઈ દસ હજાર રૂપિયા સુધીના રૂમ ઉપલબ્ધ છે. મોટાભાગની હોટેલ્સ અમારી પોતાની માલિકીની છે. તો અમુક અમારી બ્રાન્ડ હેઠળ ચલાવવા લીધી છે. જોકે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇડ હોટેલ્સની એક બ્રાન્ડ વેલ્યુ છે. અને એનું કારણ છે અમે હોટેલને કદી જૂની થવા દેતા નથી. દર છ-સાત વરસે એનું રિનોવેશન કરતા રહીએ છીએ.
આટલી હોટેલ્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો?
પ્રશ્નના જવાબમાં પ્રાઇડ હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર એસ. પી. જૈને જણાવ્યું કે દેશભરમાં અમારી પંદર જેટલી ઑફિસ છે અને સો કરતા વધુની પ્રોફેશનલ માર્કેટિંગ ટીમ છે. ઉપરાંત અમારી ઇસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથની રિજનલ ઑફિસીસ છે. અમારી સમગ્ર ટીમ પ્રાઇમ હોટેલ્સના માર્કૉટિંગની સાથે એની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બીજું, જેઓ અમારી સાથે જોડાય છે એ લાંબી અરસા સુધી અમારી ટીમનો સભ્ય રહે છે. કારણ અમે તેમને કર્મારી નહીં પણ પ્રાઇડ પરિવારનો સભ્ય માનીએ છીએ. તમે નહીં માનો અમારે ત્યાં ટ્રેનિંગ લેનાર કર્મચારીને જો વિદેશ મોકો મળે તો અમે પ્રેમથી એને વિદાય આપીએ છીએ. કારણ અમને ખબર છથે કે એ જ્યારે પણ ભારત પાછો ફરશે ત્યારે પહેલો સંપર્ક પ્રાઇડનો જ કરશે.
હોટેલ ઇન્ડસ્ટ્રીની સફળતાનું એક મહત્ત્વનું પાસું હોય તો એ છે એનું કિચન. તો એને માટે તમે કઈ સ્ટ્રેટેજી અપનાવી છે? પ્રશ્નના જવાબમાં જૈન જણાવે છે કે, અમારા ભારતીય ગ્રાહકો છે તેઓ સ્વાદિષ્ટ વાનગીઓને પ્રાધાન્ય આપતા હોય છે. એટલે અમે ઇન્ડિયન ફૂડ પર ખાસ ધ્યાન આપીએ છીએ. બીજું, અમે રૂમની સાથે જ સવારે વૈવિધ્યસભર એટલો નાસ્તો પણ આપીએ છીએ કે એનો દિવસ નીકળી જાય.
પ્રાઇડ હોટેલ્સનું ભાવિ પ્લાનિંગ?
અત્યારે 14 જેટલા રાજ્યોમાં અમારી 60 જેટલી હોટેલ્સ છે. અને 2030 સુધીમાં દેશના વીસેક રાજ્યો મળી સોનો આંકડો પાર કરવાનું પ્લાનિંગ છે. તો અમારી પ્રોફેશનલ ટીમનું 2033 સુધીમાં આંકડો 133 હોટેલ પર પહોંચાડવાનું પ્લાનિંગ છે.
તમારી હોટેલ ચેઇનનું નામ પ્રાઇડ રાખવાનું કોઈ ખાસ કારણ?
હોટેલ એક એવી જગ્યા છે જ્યાં કોઈ કસ્ટમર આવે તો એને ગર્વની લાગણી થાય. એ જ્યાં ઉતર્યો છે એ હોટેલને કારણે એના સ્ટેટસમાં વધારો થઈ રહ્યો હોવાનું ફીલ કરે. એટલે અમે પ્રાઇડ શબ્દ પસંદ કર્યો. અમારા કસ્ટમરને અમારે ત્યાં રહી પ્રાઇડ ફિલ થવું જોઈએ. બસ આ અમારું સીધું સાદું લૉજિક હતુ પ્રાઇડ નામ પસંદ કરવાનું.
અત્યારની કેન્દ્રની સરકારની ટુરિઝમ નીતિ હોટેલ ઇન્ડસ્ટ્રી માટે લાભદાયી છે કે એમાં સુધારા થવા જોઇએ?
સરકારની નીતિને કારણે ટુરિઝમ ઉદ્યોગને સીધો કોઈ લાભ મળતો નથી. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટુરિઝમ ઉદ્યોગની ઘણી સારી સમજ છે.. તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યમાં ચુરિઝમ ઇન્ડસ્ટ્રીનો ઘણો વિકાસ કર્યો. હવે તેમની કેન્દ્રની સરકારની પૉલિસી પણ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને અનુકુળ છે. પ્રવાસન સ્થળોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે જેનો સીધો ફાયદો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને થશે. સરકાર ટુરિઝમ ઇન્ડસ્ટ્રીનું મહત્ત્વ સમજી રહી છે. તમે જોશો તો ઘણા દેશોની ઇકોનોમી માત્ર ટુરિઝમ ઉદ્યોગને કારણે ચાલી રહી છે.
આપણે ત્યાં વિદેશી સહેલાણીઓની સંખ્યા દસ-બાર લાખ જેટલી જ છે. પણ કોરોના કાળ પછી સ્થાનિક સહેલાણીઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. અને ડોમેસ્ટિક ટુરિઝમ ઘણુ ડેવલપ થઈ રહ્યું છે.