મધ્ય પ્રદેશના દમોહમાં આવેલી ગંગા જમુના હાયર સેકેન્ડરી સ્કૂલના મેનેજમેન્ટ પર વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. હકીકતમાં પરીક્ષાના રિઝલ્ટ બાદ ટોચના ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરેલો છે. હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓમાં હિન્દુ વિદ્યાર્થિની પણ હોવાથી આ મામલાએ સાંપ્રદાયિક રૂપ લીધું છે. આ વાત બહાર આવતા રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ તપાસનો આદેશ આપ્યો છે.
બુધવારે હિન્દુવાદી સંગઠનોએ નિવેદન આપી કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ પોસ્ટરમાં સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓના જ ફોટો મુકવામાં આવ્યા છે એમાં તેમણે હિજાબ પહેર્યો હોય એવું દેખાય છે. સમગ્ર વિવાદ માથા પર વીંટાળેલા કપડાને કારણે શરૂ થયો છે.
હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ બુધવારે બપોરે કલેક્ટોરેટ જઈ ડેપ્યુટી કલેક્ટરને નિવેદન આપ્યું છે. જેમાં તેમણે શિક્ષણ અધિકારીની તપાસ ખોટી હોવની સાથે તપાસ અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા છે. એ સાથે સ્કૂલની માન્યતા રદ કરવાની પણ માગણી કરવામાં આવી છે. નિવેદન આપવા ગયેલા હિન્દુ સંગઠનના એક અગ્રણી કાર્યકરે જણાવ્યું કે, હિન્દુ ધર્મની દીકરીઓને જાણીજોઇને હિજાબ પહેરવા મજબૂર કરવામાં આવે છે. આવા લોકોને સજા મળવી જ જોઇએ.
આ વાત ફેલાતા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનાં અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ ટ્વીટ કર્યા બાદ દમોહના કલેક્ટર મયંક અગ્રવાલે કેસની તપાસ પણ કરાવી. તપાસમાં આ વાત અફવા હોવાનું જણાવાયું. જોકે મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો આદેશ આપ્યો છે.
તપાસ ટીમના અધિકારી ટીઆઈ વિજય સિંહ રાજપુતનું કહેવું છે કે સ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે લોકો સ્કાર્ફને હિજાબ સમજી રહ્યા છે. સ્કૂલના સંચાલક મુસ્તાક ખાને કહ્યું કે સ્કૂલ યુનિફોર્મમાં સ્કાર્ફ સામેલ છે પણ એ પહેરવા માટે કોઈને ફરજ પડાતી નથી.
ગૃહ પ્રધાનના આદેશ બાદ કલેક્ટર અગ્રવાલે જણાવ્યું કે મારા દ્વારા પાસ કરવામાં આવી છે. પરંતુ ગૃહ પ્રધાને આદેશ આપ્યો હોવાથી નવેસરથી ટીમ બનાવવામાં આવશે, જેમાં તહેસીલદાર, જિલ્લાના શિક્ષણ અધિકારી અને પોલીસ અધિકારી સામેલ હશે. તેમના દ્વારા જે અહેવાલ મળશે એ ગૃહ પ્રધાનને મોકલવામાં આવશે.
કર્ણાટકમાં હિજાબ મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો. એ સમયે મુસ્લિમ આગેવાનોએ દલીલ કરી હતી કે ભલે સ્કૂલે ડ્રેસકોડ નક્કી કર્યો હોય પણ અમારા ધર્મમાં હિજાબ પહેરવો ફરજિયાત છે અને તેમને એ હક મળવો જોઇએ. હવે જ્યારે મધ્ય પ્રદેશના દમોહમાં સ્કૂલના મુસ્લિમ સંચાલકોના જણાવ્યા મુજબ યુનિફોર્મમાં હિજાબ (સંચાલકોના હિસાબે સ્કાર્ફ) સામેલ છે પણ એ ફરજિયાત નથી. તો પોસ્ટરમાં હિન્દુ વિદ્યાર્થિનીઓના ફોટા હિજાબ (સ્કાર્ફ) સાથે કેમ મુકવામાં આવ્યા છે એનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.