રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – “ગૌ-ટેક ૨૦૨૩” નું સમાપન થયું. ગોબરધન અને પશુધન માટે અને તેમના નકામા કચરામાંથી તૈયાર કરાયેલા સંશોધનો અને સંસાધનો આશ્ચર્યચકિત કરી દે એવા હતા. આવું જ એક ઉત્પાદન છે, છાણમાંથી તૈયાર કરાયેલા પ્રાકૃતિક પેઈન્ટ…
આ ટેકનોલૉજી પર કામ કરીને છાણમાંથી પેઇન્ટ બનાવનારા રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકાના શિવરાજપુર ગામના યુવા એન્જિનિયર આશિષ વારા કહે છે કે, ઘણા બધા યંગસ્ટર્સ અથવા યુવા મિત્રો ગાય ભેંસના ગોબરથી દૂર ભાગતા હોય છે. પણ તેમાં રહેલી ઊર્જા ખૂબ જ અદ્દભુત છે. આપણા દેશમાં દરેક ગામડામાં એક તો ગૌ સંસ્થા હોય જ છે. જેની સાથે મળીને યુવાનો રીસર્ચ કરે તો, ગોબર ઈકોનોમીને ગ્લોબલ ઇકોનોમી તરીકે વિકસીત કરવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. આના થકી દૂધ ન આપતા પશુઓને કતલખાને મોકલવાને બદલે તેના છાણનો ઉપયોગ કરી આવા પશુઓને એક નવું જીવન આપી શકાય છે.
આશિષ વધુમાં જણાવે છે કે, છાણમાંથી પેઇન્ટ બનાવવાની તાલીમ એક વર્ષ પહેલા મેં ખાદી ઇન્ડિયા તરફથી જયપુર ખાતે મેળવી હતી. પાચ દિવસની આ ટ્રેનિંગમાં ગોબરમાંથી પેઇન્ટ કેવી રીતે બનાવવો તે શીખ્યો. પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબની દેશને નોકરી માગનારાની નહીં પણ નોકરી આપનારાની જરૂરિયાતને મેં મારી પ્રાથમિકતા બનાવી. એ સાથે રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ પ્રાકૃતિક પેઇન્ટ બનાવવાનું શરૂ કર્યું. એ સાથે નિરાલી પેઈન્ટસ નામના સ્ટાર્ટ અપનો શુભારંભ કર્યો.
હાલ અમારો પ્લાન્ટ પ્રોડક્શનની દૃષ્ટિએ નાનો છે, છાણમાંથી રોજનો ૨૦૦ લીટર પેઈન્ટ બનાવી શકીએ છીએ. અમારા ખેતરમાં ૧૦ ગાયો રાખી છે જેનું ભરણપોષણ કરીએ છીએ અને તેના છાણમાંથી જ અમે પેઇન્ટનું ઉત્પાદન કરીએ છીએ. ક્યારેક છાણની ઘટ પડે તો આસપાસની ગૌશાળામાંથી છાણની ખરીદી રંગનું ઉત્પાદન કરીએ છીએ. ગૌશાળાના છાણનો ભાવ નક્કી કરવાથી ગૌશાળાઓને પણ નિશ્ચિત આવક થઈ શકે છે જેનો ઉપયોગ ગાયોના નિભાવ માટે કરી શકાય.
અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે હાલ અમે એક ટકા રકમ ગૌધનના નિભાવ માટે આપીએ છીએ. ભવિષ્યમાં આ રકમમાં અમે વધારો કરીશું. લોકોને અનુરોધ કરીએ છીએ કે, અન્ય રંગોની સરખામણીએ આ રંગો ઇકોફ્રેન્ડલી, એન્ટી બેક્ટેરિયલ, ગરમી પ્રતિરોધક, ઝેરી રસાયણો વગરનો અને વ્યાજબી કિમતે મળતો હોવાથી તેનો ઉપયોગ કરી ગૌધનની જાળવણી કરીએ.
એક અંદાજ મુજબ દેશમાં રંગોનું માર્કેટ ૬૦ હજાર કરોડ રૂપિયાનું છે, જ્યારે પ્રાકૃતિક રંગોનું માર્કેટ માંડ બે ટકા જેટલું હશે. ઈકો ફ્રેન્ડલી ખાદી પ્રાકૃતિક કલર એ દીવાલો (અંદર-બહાર)અને ફ્લૉરને ગાયના ગોબરથી લીંપણ કરવાની જૂની ભારતીય પરંપરાથી પ્રેરિત એક નવી પહેલ છે. પ્રાચીન કાળથી પ્રચલિત જૂની પદ્ધતિઓને આધુનિક ઉત્પાદનોમાં પુનઃનિર્માણ કરીને પ્રાકૃતિક કલર બનાવવામાં આવ્યો છે. આ કલરનો મુખ્ય ઘટક ગાયનું છાણ છે જેમાંથી ગાયના છાણને વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ કરી ડિસ્ટેમ્પર અને ઈમલ્સન કલર તૈયાર કરવામાં આવે છે. દીવાલ માટે એક આદર્શ રક્ષણાત્મક કવચ તૈયાર કરે છે. આ કલર પાણીથી ધોવાલાયક (Washable), પાણી અવરોધક (WaterProof), અને ટકાઉ (Durable) છે અને દીવાલ પર લગાવ્યા પછી કકત ૪ થી ૬ કલાકમાં સુકાઈ જાય છે. પસંદગી પ્રમાણેના કલર કોમ્બિનેશન મુજબ વિકસિત કરેલો આ પ્રાકૃતિક કલર KVIC (ખાદી અને ગ્રામોધોગ આયોગ) અને નેશનલ ટેસ્ટ હાઉસ-મુંબઈ, શ્રીરામ ઇન્સ્ટીટ્યુટ ફોર ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ, ન્યુ દિલ્હી અને નેશનલ ટેસ્ટ હાઉસ, ગાઝિયાબાદ જેવી નામાંકિત અને સ્ટાન્ડર્ડ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ દ્વારા પ્રમાણીત કરવામાં આવ્યા છે.
- રાજકોટ ન્યુઝ
બહુ જ સરસ… ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐