૧ જૂન સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવાયો. મિલ્ક ડેનો હેતુ દૂધ તથા ડેરી પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. કારણકે દૂધ અને ડેરી પ્રોડક્ટસ રોજિંદી જરૂરિયાતો સાથે અર્થવ્યવસ્થામાં પણ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે, ત્યારે આ દિવસ નિમિત્તે રાજકોટની વિશ્વસ્તરે જાણીતી ડેરી પ્રોડક્ટ પેંડા વિશે વિગતે વાત કરીએ.
રાજકોટ રંગીલું શહેર ગણાય છે, અહીંની પ્રજા ઉધમી, ખંતીલી અને આનંદી છે. રાજકોટના અનેકવિધ ઉધોગો અને ઈનોવેશન્સ દેશ-દુનિયાને આકર્ષે છે. મીઠાઈમાં ગણના પામતાં પેંડા ક્ષેત્રે પણ રાજકોટમાં ઈનોવેશન થયા છે. સમગ્ર દેશમાં દૂધમાંથી સીધા જ પેંડા બનાવવાનો પ્રયોગ અને શરૂઆત રાજકોટમાંથી જ સન ૧૯૩૩માં થઇ હતી. જે આજે પણ ચાલુ છે. રાજકોટના દૂધના પેંડા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત માવાના પેંડા, થાબડી પેંડા, કણીઘર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ જેવા વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યા છે.
રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનના સભ્ય તથા ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદક કલ્પેશ ડોબરિયાના મત મુજબ, રાજકોટમાં સીઝન અને માગ મુજબ પેંડાના ઉત્પાદનમાં વધઘટ થતી હોય છે. પરંતુ વાર્ષિક સરેરાશ જોઈએ રોજના આશરે બે ટન (૨૦૦૦ કિલો) જેટલા પેંડાનું ઉત્પાદન થતું હોવાનું કહી શકાય. આ પેંડા ઉત્પાદનમાં રોજનું આશરે ૨૫ હજારથી ૩૦ હજાર લીટરથી વધુ દૂધ વપરાશમાં લેવાતું હોવાનો અંદાજ છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો, એક કિલો પેંડાનો સરેરાશ ભાવ રૂપિયા ૪૦૦ ગણીએ તો, રોજના આશરે રૂપિયા ૮ લાખ અને મહિને રૂપિયા ૨.૪૦ કરોડના પેંડાનું ઉત્પાદન રાજકોટમાં થાય છે. અન્ય મીઠાઇઓનું ઉત્પાદન અને વેચાણ અલગ
રાજકોટ એક માત્ર એવું શહેર છે કે જ્યાં સીધા દૂધમાંથી જ પેંડા બને છે. આજે દેશના અન્ય રાજ્યો સાથે વિદેશમાં પણ રાજકોટના પેંડા નિકાસ થવા લાગ્યા છે.
કલ્પેશ ડોબરિયાના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં આશરે ૧૦થી વધુ હોલસેલર્સ પેંડા ઉત્પાદકો છે, જ્યાં આધુનિક મશીનો દ્વારા પેંડાનું ઉત્પાદન થાય છે. અલબત્ત આ એકમોમાં પેંડાને ઢાળવાથી લઈને આકાર આપવાનું કામ માનવ કારીગરો દ્વારા જ થાય છે, પરંતુ દૂધને ઉકાળવા માટે દેશી ચૂલા કે ભઠ્ઠીના બદલે સ્ટીમ આધારિત મશીનરીનો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે રાજકોટમાં દેશી ભઠ્ઠી પર હાથેથી પેડાનું ઉત્પાદન કરનારા નાના એકમો આશરે ૧૦૦ જેટલા હોવાનો અંદાજ છે. પેંડા બનાવતા કારીગરોને નોંધપાત્ર મહેનતાણું અપાય છે. એક કારીગરને તેમની હથોટી મુજબ આશરે રૂપિયા ૭૦૦થી ૧૦૦૦ રૂપિયા રોજના ચૂકવાતા હોય છે. રાજકોટ શહેરમાં આશરે ૫૦૦ જેટલા રીટેઇલર્સ હશે, જેઓ પેંડા તેમજ અન્ય ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોય છે. મહત્ત્વનું એ છે કે, પેંડા ઉત્પાદન માટેની મશીનરીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પણ મળતી હોય છે.
રાજકોટ જિલ્લામાં પેંડાનું મહત્તમ ઉત્પાદન રાજકોટ શહેરમાં જ થાય છે. જેમાં દૂધના પેંડા, ફાડેલા દૂધના કણીદાર પેંડા, થાબડી પેંડા તેમજ માવાના પેંડા મુખ્ય છે. ઉપરાંત રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલું કુવાડવા ગામ રજવાડી પેંડા, કણીદાર પેંડા તથા માવાના પેંડાના ઉત્પાદન માટે જાણીતું છે. અહીં પેંડાનું ઉત્પાદન કરતા શૈલેષભાઇ સોરઠિયા જણાવે છે કે, બહારગામ જતા અનેક પ્રવાસીઓ કુવાડવામાંથી પેંડાની ખરીદી કરી રાજકોટના સ્વાદને અન્ય પ્રાંતોમાં પહોંચાડે છે. કુવાડવા હાઇવે પર આશરે ૧૦ જેટલા જ્યારે ગામમાં સાતથી આઠ જેટલા પેંડા ઉત્પાદકો છે, જે નાના-મોટા પાયે આ કામ કરે છે.
જ્યારે જિલ્લાનું દેવકીગાલોળ ગામ થાબડી પેંડાના ઉત્પાદન માટે ગ્રાહકોમાં જાણીતુ છે. દેવકી ગાલોળમાં થાબડી પેંડાના 50થી વધુ ઉત્પાદકો છે, જેઓ જ થાબડી પેંડાનું લાઇવ ઉત્પાદન કરી આપે છે. ગૌરીદળ અને કોલીથડમાં પણ પેંડાનુ નોંધપાત્ર ઉત્પાદન થાય છે, રાજકોટ શહેરમાં ગૌરીદળ, કુવાડવા, દેવકીગાલોળ, કોલીયડ તેમજ અન્ય ૪થી ૫ ગામના આશરે ૫૦થી ૬૦ લોકો પેંડા વેચવા આવતા હોય છે.
ગોંડલના મોટાદડવા ગામના માવાના પેંડાનો સ્વાદ અનેક સંતો-મહંતો તેમજ અભિનેતાઓ માણી ચૂક્યા છે. ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે 100 ગ્રામથી લઇ 500 ગ્રામ સુધીના પેંડાથી આગવું નામ પ્રદાન કર્યું છે. આ પેંડાનો સ્વાદ એટલો વિશિષ્ટ બનાવ્યો છે કે લોકોને બોલવું જ પડે કે પેંડા એટલે દડવાના જ.
સામાન્ય રીતે, ઉનાળામાં દૂધની આવક ઘટતી હોય છે, સાથે ગરમીના કારણે પેંડાનો વપરાશ પણ ઓછો હોય છે. આ દરમિયાન જો વધારાની જરૂરિયાત ઊભી થાય તો બ્રાન્ડેડ કંપનીના પેકીંગ દૂધનો પેંડાના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવતી હોય છે.
પેંડા ઉપરાંત રાજકોટમાં દૂધ તેમજ અન્ય ડેરી પ્રોડક્ટસનું ઉત્પાદન અને વપરાશ નોંધપાત્ર છે. ડેરી ઉત્પાદકોના એક અંદાજ મુજબ, રાજકોટમાં રોજની સરેરાશ પાંચથી છ લાખ લીટર કરતા વધારે દૂધની ખપત છે. જેમાં રોજિંદા વપરાશ ઉપરાંત વિવિધ ડેરી પ્રોડક્ટસ જેમ કે, પેંડા, દહીં, છાશ, પૌર, ઘી તેમજ અન્ય મીઠાઈ સહિતની વસ્તુઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે.
હવે તો રાજકોટથી પેંડા ઉપરાંત, દૂધપાક, ખીર, બાસુંદી, રબડી વગેરે જેવી પરંપરાગત ભારતીય મીઠાઇઓની પણ વિદેશની બજારોમાં નિકાસ થવા લાગી છે. આમ રાજકોટનો ડેરી ઉદ્યોગ પણ સમયની સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
- રાજકોટ ન્યુઝ