રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાની રાષ્ટ્રીય કાર્યકારિણીની શિરડી ખાતે આજે બેઠક મળી હતી. કેન્દ્રિય સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ નામદાર રામદાસ આઠવલેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આજે મળેલી બેઠકમાં પક્ષના મહત્ત્વના નેતાઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. એ સાથે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પણ અમુક નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈના યુવા નેતા જતિન ભુતાની રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જતિન ભુતા આરપીઆઈના ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. ભુતાએ રાષ્ટ્રીય સચિવ તરીકેની નિયુક્તિ બાદ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નામદાર રામદાસ આઠવલેનો આભાર માનવાની સાથે જણાવ્યું કે, તેમને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક સંભાળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પક્ષના વિકાસ માટે તેઓ કામ કરશે. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે અને જતિન ભુતા સાથે જનતા વેફર્સના સીએમડી જીતુભાઇ ખખ્ખર પણ ઉપસ્થિત રહ્યા હતા.