ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ, અગરબત્તી, ધૂપના કોડિયા, હવન કુંડ સહિત અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે
રાજકોટ : – હસ્તકલા માત્ર પરંપરા, કલા વારસાને જ આગળ ધપાવતું નથી, પરંતુ આવનારી પેઢીને કંઈક નવું સર્જન કરવાની પ્રેરણા પણ પુરી પાડે છે. સાથોસાથ આજીવિકાનું પણ માધ્યમ બની રહે છે. રાજ્ય સરકારના કુટીર અને ગ્રામ ઉધોગ વિભાગ,મહિલા સખી મંડળના સંકલનથી અનેક ગ્રામીણ મહિલાઓ પગભર થઈ રહી છે.
રાજકોટ ખાતે નાના મવા સર્કલ પાસે ચાલી રહેલા હસ્તકલા સેતુ મેળામાં ગ્રામીણ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ઘર વપરાશની અનેક વસ્તુનું પ્રદર્શન સહ વેચાણ ચાલી રહ્યું છે. જેમાના એક છે ગોબરમાંથી કંચન પેદા કરતા ઢોલરાના અંકિતાબેંન ભરતભાઈ ભુવા. તેઓ અન્ય બહેનો સાથે મળી તૈયાર કરે છે ગાયના છાણમાંથી તૈયાર કરેલ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ, પૂજાનો સામાન જેવો કે અગરબત્તી, ધૂપ, હવન કુંડ, પૈસાનો ગલ્લો, રોપાઓ અને ફ્રેમ.
હાલ ગણેશ મહોત્સવ આવવાનો હોઇ ગણેશની મૂર્તિની ડિમાન્ડ હોવાનું જણાવતા તેઓ કહે છે કે, અમે બે સાઇઝમાં ગણેશ બનાવીએ છીએ. આ માટે ગાયના છાણને એકઠું કરી તેને સુકવવાનું ત્યારબાદ તેને ઘંટીમાં દળી પાવડર બનાવવાનો, તેમાં મુલતાની માટી અને ગમગુવાર ભેળવી મિશ્રણનો લોટ બાંધી તેને ડાઇમાં મૂકી ગણેશ તૈયાર કરવામાં આવે છે. હાથેથી પણ નાની સાઈઝના ગણેશ તેઓ બનાવે છે. ત્યારબાદ જરૂરી કલકરકામ નેચરલ કલરથી કરવામાં આવે છે.
અંકિતાબેન સહિત ૧૦ મહિલાઓએ મળી શ્રી હરિ સખી મંડળની સ્થાપના કરી, જેમાં તેમને સાથ મળ્યો જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીનો. જેણે મહિલાઓને સહાય તેમજ ટ્રેનિંગ પુરી પાડી. જેને કારણે તેઓ બન્યા આત્મનિર્ભર ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાન તેમજ કુટીર ગ્રામોધોગ વિભાગ દ્વારા પણ બહેનોને સહયોગ મળી રહયો છે. બહેનોએ લોકડાઉન સમયમાં હાથેથી ૨૦ હજારથી વધુ કોડિયાઓનું નિર્માણ કરી વેચાણ કર્યું. ડો. વલ્લભાઇ કથીરિયા અને મનસુખભાઇ સુવાગીયાના માર્ગદર્શનથી તેઓ ગીર ગાય આધારિત વસ્તુનો પ્રચાર પ્રસાર કરે છે. તેઓ જણાવે છે કે ગાયના છાણમાંથી બનેલી અગરબત્તીનો ધૂપ જંતુઓને દૂર રાખે છે તેમજ વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે.
- રાજકોટ ન્યૂઝ
Comments 1