સાયરસ મિસ્ત્રીના અવસાનથી પરિવારને જ નહીં દેશના ઉદ્યોગ જગત માટે પણ મોટી ખોટ પડી છે
તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. મુંબઇ નજીકના પાલઘર પાસે અકસ્માત થયો હતો. દુર્ઘટના બાદ મિસ્ત્રીને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તેમની કાર એક ડિવાયડર સાથે ટકરાતાં અકસ્માત થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. મિસ્ત્રી મર્સિડીઝમાં અમદાવાદ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચા ઊડી ગયા હતા. મિસ્ત્રી સાથે અન્ય એક વ્યક્તિ પણ મૃત્યુ પામી હતી.
સાયરસ મિસ્ત્રીના અવસાનના સમાચાર મળ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે મિસ્ત્રીના સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. આ માત્ર પરિવારને જ નહીં દેશના ઉદ્યોગ જગત માટે પણ મોટી ખોટ પડી છે.
૫૪ વર્ષીય સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને તાકાતવર ઉદ્યોગ ગૃહ શાપુરજી પાલનજીના પુત્ર હતા. આયર્લેન્ડમાં જન્મેલા સાયરસે લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ૧૯૯૧માં કામ કરવાની શરૂઆત કરી. ૨૦૧૨માં તાતા સન્સના ચેરમેન બન્યા હતા. જોકે ચાર વરસ બાદ તેમને ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા.






