ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે યુએસ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઉન્મુક્ત ચંદને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદની કપ્તાનીમાં જ ભારતે 2012નો અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
ક્રિકેટના ચાહકો ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે T20 વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 જૂનથી 29 જૂન સુધી રમાશે. કો-હોસ્ટ યુએસએ પણ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની 15 સભ્યોની ટીમનું નેતૃત્વ મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. મોનાંકે અંડર-19 સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું,
ઉન્મુક્ત-સ્મિતને સ્થાન ન મળ્યું
મોનાંક પટેલ ઉપરાંત ભારતીય મૂળના ઘણા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, ઉન્મુક્ત ચંદને ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદની કેપ્ટનશિપમાં જ ભારતે 2012નો અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. એ જ ટીમના વિકેટકીપર બેટ્સમેન સ્મિત પટેલને પણ તક મળી નથી.
રાઇટ હેન્ડ બેટ્સમેન મિલિંદ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિલિંદે 2018-19 રણજી ટ્રોફીની સીઝનમાં સિક્કિમનું પ્રતિનિધિત્વ કરતી વખતે 1331 રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરાનું પ્રતિનિધિત્વ પણ કર્યું. જોકે સારી તક મળતા એ અમેરિકા ગયો. 2021માં યુએસ ડેબ્યૂ કરતા પહેલા, તેણે IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર હરમીત સિંહને પણ ટીમમાં જગ્યા મળી છે. મુંબઈમાં જન્મેલા 31 વર્ષના આ ખેલાડીએ 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એ 2013માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટ પણ રમ્યો હતો. ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે 2010માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.
ન્યુઝીલેન્ડનો આ દિગ્ગજ ખેલાડી પણ ટીમમાં છે
ટીમમાં અન્ય એક પ્રખ્યાત ચહેરો ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસન છે, જેણે 2015 ODI વર્લ્ડ કપ સાથે 2014 અને 2016 T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2023માં અમેરિકા ગયો અને ગયા મહિને કેનેડા સામેની T20 મેચમાં અમેરિકા માટે ડેબ્યૂ કર્યું. પાકિસ્તાનમાં જન્મેલા ફાસ્ટ બોલર અલી ખાન પણ ટીમમાં સામેલ છે, જેને 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
અમેરિકા પહેલા દિવસે પડોશી દેશ કેનેડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેને ભારત, પાકિસ્તાન અને આયર્લેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે યુએસની ટીમમાં મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુષ કેન્ઝીગે , સૌરભ નેત્રાવલકર, શેડલી વેન શાલ્કવિક, સ્ટીવન ટેલર અને શયાન જહાંગીર.
રિઝર્વ ખેલાડીઓઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસડેલ, યાસિર મોહમ્મદ.
Comments 1