હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઘર આંગણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં ભારતીય ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાનું બેટ આફ્રિકન બોલરોનાં છોતરાં કાઢી રહ્યું છે. મંધાનાએ સિરીઝની પહેલી બંને મેચમાં સેન્ચુરી મારી છે. સતત બે મેચમાં સેન્ચુરી મારનાર ભારતની પહેલી મહિલા ક્રિકેટર બની છે. એટલું જ નહીં, મિતાલી રાજના સાત સેન્ચુરીના રેકૉર્ડની પણ સ્મૃતિ મંધાનાએ બરોબરી કરી છે.
સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળી વનડે ક્રિકેટ મેચમાં આક્રમક બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ વિકેટના ભોગે 325 રન બનાવ્યા હતા. સ્મૃતિએ (120 બોલ)માં 136 રન બનાવ્યાં હતાં જેમાં 18 બાઉન્ડ્રી અને ત્રણ સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે હરમનપ્રીત કૌરે 88 બોલમાં 103 રન બનાવ્યા જેમાં 9 બાઉન્ડરી અને ત્રણ સિક્સર મારી હતી. બંને ખેલાડીએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 171 રન બનાવ્યા હતા. પહેલી બેટિંગ કરના ભારતની ખેલાડીઓએ આફ્રિકન બોલરોની જબરી ધુલાઈ કરી હતી. બીસીસીઆઈ વિમેન્સે એક્સ અકાઉન્ટ પર વિડ્યો શેર કર્યો હતો, જેમાં સ્મૃતિ મંધાના એની સેન્ચુરીની ઉજવણી કરતી જોવા મળે છે.