ભારતીય મહિલા અને પુરુષોની 4×400 મીટર રીલે ટીમ સોમવારે બહામાસના નાસાઉ ખાતે ખાતે રમાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રીલેમાં બીજા રાઉન્ડમાં બીજું સ્થાન મેળવી પેરિસ ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ થઈ હતી. રૂપલ ચૌધરી, એમ.આર. પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને શુભા વેંકટેશને 3.29.35માં અંતર પૂરૂં કરી પહેલી હીટમાં જમૈકા (3.28.54) બાદ બીજું સ્થાન મેળવી પેરિસની ટિકિટ કન્ફર્મ કરી હતી.
ભારતીય ટીમ રવિવારે પહેલા દોરની ક્વૉલિફાઇંગ હીટમાં 3.29.74 મિનિટનો સમય લઈ પાંચમા સ્થાન પર રહી હતી. ત્યાર બાદ પુરુષોની ટીમ (મોહમ્મદ અનસ યાહ્યા, મોહમ્મદ અજમલ,અરોકિયા રાજીવ અને અનમોલ જેકબ) 3.3.23 મિનિટના સમય સાથે અમેરિકા (2.58.95) બાદ બીજા ક્રમાંક પર રહી હતી.બીજા દોરમાં ત્રણે હીટના ટોચની બે ટીમોને 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરવામાં આવી હતી.
પહેલા દોરમાં પુરુષોની ટીમ રેસ પૂરી કરી શકી નહોતી. કારણ, બીજા સ્પેલના દોડવીર રાજીવ રમેશના સ્નાયુ ખેચાતા અધવચ્ચે રેસ છોડવી પડી. હવે ભારતના ટ્રેક અને ફિલ્ડના 19 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક માટે સ્વૉલિફાઈ થઈ ચુક્યા છે. જેમાં ભાલાફેંક ચેમ્પિયન નીરજ ચોપરા સામેલ છે. એથ્લેટિક્સની સ્પર્ધા ઓગસ્ટ મહિનામાં શરૂ થશે.