નીટની પરીક્ષાનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન – નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી-નેટ)ની પરીક્ષાઓમાં પણ ગોટાળા થયા હોવાની ફરિયાદ મળતાં કેન્દ્ર સરકાર ઍક્શન મોડમાં આવી હતી. સરકારે 18 જૂન, 2024ના લેવાયેલી યુજીસી-નેટની લેખિત પરીક્ષાને રદ કરી છે. એ સાથે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની પણ જાહેરાત કરી છે. નીટની જેમ યુજીસી-નેટની પરીક્ષા પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) જ યોજે છે. એનટીએએ 18 જૂન, 2024ના દેશના વિવિધ શહેરોમાં યુજીસી-નેટની પરીક્ષા યોજી હતી. આ પરીક્ષા બે શિફ્ટમાં યોજવામાં આવી હતી. જોકે પરીક્ષા પૂરી થયા બાદ તુરંત એમાં ગોટાળા થયા હોવાના આક્ષેપો થવા લાગ્યા હતા. નીટ મામલે થયેલા દેશવ્યાપી આંદોલનથી શીખ લઈ સરકારે તાત્કાલિક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. એ સાથે ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.
યુજીસી-નેટની પરીક્ષામાં ગોટાળો થયો હોવાની બૂમરાણ શરૂ થઈ કે તુરંત કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત નિર્ણય લઈ પરીક્ષ રદ કરવાની જાહેરાત કરી હતી. મળતા અહેવાલ મુજબ ટૂંક સમયમાં ફેર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 19 જૂન, 2024ના યુજીસીને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય અંતર્ગત આવતા સાઇબર ક્રાઇમ હેઠળ કાર્યરત નેશનલ સાઇબર ક્રાઇમ થ્રેટ એનાલિસિસ યુનિટને ઇનપુટ મળ્યા હતા. ઇનપુટમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષા દરમિયાન સેટિંગ કરવામાં આવ્યું હતું. ગોટાળાની આશંકા બાદ કેન્દ્રએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.