અરજીમાં તપાસ એજન્સીઓ અંગે માર્ગદર્શિકા જારી કરવાની માગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આપ્યો વિરોધ પક્ષોને મોટો આંચકો : સીબીઆઈ-ઈડી વિરુદ્ધની અરજી સાંભળવાનું નકાર્યું હતું. કૉંગ્રેસ સહિત 14 વિરોધ પક્ષોન સુપ્રીમ કોર્ટે બુધવારે (5 એપ્રિલ) મોટો આંચકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રિય તપાસ એજન્સીઓ (સીબીઆઈ-ઈડી)નો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરતી અરજી પર સુનાવણી કરવાનું નકારી દીધું હતું. અરજીમાં તપાસ એજન્સીઓ અંગે માર્ગદર્શિકા જારી કરવાની માગણી કરી હતી.
વિરોધ પક્ષો વતિ સર્વોચ્ચ અદાલતમાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે 2013-14થી લઈ 2021-22 દરમિયાન સીબીઆઈ અને ઈડીના કેસમાં 600 ટકા જેલો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે ઈડી દ્વારા 121 રાજકીય નેતાઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 95 ટકા વિરોધ પક્ષોના છે. સીબીઆઈ 124 કેસમાં તપાસ કરી રહી છે અને એમાં પણ 95 ટકાથી વધુ નેતાઓ વિરોધ પક્ષોના છે.
દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સિંઘવીને પૂછ્યું કે શું આ આકડાઓને કારણે એમ કહી શકાય કે કોઈ તપાસ કે કેસ ન થવા જોઇએ? કોર્ટનું કહેવું છે કે નેતા પણ અંતે સામાન્ય નાગરિક હોય છે અને નાગરિક તરીકે બધાને એક કાયદો લાગુ પડે છે. સીજેઆઈએ કહ્યું કે તમે એવું ઇચ્છો છો કે ઈડી ગુના કે કેસની ગંભીરતાને બાજુ પર મુકી કોઈની ધરપકડ ન કરે. અમે આવું કેવી રીત કરી શકીએ, ગુનાની ગંભીરતાને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?
સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ખાસ કેસ અંગે તથ્યો વિના માર્ગદર્શિકા નક્કી કરવી સંભવિત નથી. જ્યારે તમારી પાસે વ્યક્તિક ગુનાનો કેસ હોય તો અમારી પાસે આવજો. કેસના તથ્યો પર વિચાર કર્યા વિના સામાન્ય માર્ગદર્શિકા આપવું ઘણું જોખમી બની શકે છે.