થોડા દિવસ પહેલા સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા છવીસ વરસના એક યુવાનનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. જ્યારે આજે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મૃત્યું થયું હતું. ખાનગી હોસ્પિટલમાં કેથ્લેબમાં નોકરી કરતો યુવક સ્કૂટર ચલાવી રહ્યો હતો ત્યારે જ એટેક આવ્યો. જેટલા કેટલાક દિવસોમાં આવા અનેક બનાવો બની રહ્યા હોવાથી પ્રશાસન પણ તમામ સાવચેતીના પગલાં લઈ રહ્યુ છે.
નવરાત્રિ દરમ્યાન ખેલૈયાઓને જો હૃદયરોગનો હુમલો આવે તો આવા કટોકટીના સમયે દરદીને સ્થળ પર જ તેમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહેશે. આ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં, નવરાત્રિના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદરૂપ બની શકે તે માટે સોમવાર, તા 9 ઓક્ટોબરના પી.ડી.યુ. મેડિકલ કૉલેજ, રાજકોટ ખાતે નવરાત્રિના તમામ આયોજકો માટે સીપીઆર આપવા અંગેની તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડિયારાસ દરમ્યાન ખેલૈયાને જો અચાનક હૃદયરોગનો હુમલો આવે ત્યારે દરદીને તાત્કાલિક CPR (CARDIO PULMONARY RESUSCITATION) આપવી જરૂરી હોય છે. ગૉલ્ડન અવર દરમિયાન દરદીને સીપીઆર કેવી રીતે આપવો જોઇએ એ અંગેની પ્રત્ય ક્ષ ડેમોન્સ્ટ્રેશન આપવાની સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
તાલિમ શિબિરનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ.વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જ્યારે પ્રાંત અધિકારી સંદિપ વર્મા, મામલતદાર રૂદ્ર ગઢવી ઉપરાંત ૫૦થી વધુ નવરાત્રિના આયોજકો મંડળોના સભ્યોએ તાલિમ મેળવવાની સાથે માર્ગદર્શન મેળવ્યું હતું.
એટલું જ નહીં, રાજકોટની સરકારી હોસ્પિટલમાં નવરાત્રિના દરમિયાન કોઈ પણ કટોકટીને પહોંચી વળવા એક વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે કલેકટરે બેઠક બોલાવી નવરાત્રિના આયોજકોને જરૂરી નિર્દેશ આપ્યા હતા. એ સાથે નવરાત્રિનું જ્યાં આયોજન કરાયું હશે ત્યાં ડોક્ટર સહિતની એમ્બ્યુલન્સ તૈનાત રખાશે.
- રાજકોટ ન્યુઝ