કચ્છની કોયલ એટલે કે ગીતા રબારીના નવરાત્રિના કાર્યક્રમ અંગે ભારે ઉત્સાહ હોય છે, ત્યારે આ વર્ષે ગીતા રબારીની નવરાત્રિ ક્યાં યોજાશે એ જાણવાની તાલાવેલી ગાયિકાના ચાહકોમાં હતી. પરંતુ હવે સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે. આ વરસે મુંબઈના અંધેરીના આંગણે યોજાનાર ‘છોગાળા રે નવરાત્રિ ઉત્સવ’માં લોકગાયિકા ગીતા રબારી પર્ફોર્મન્સ આપશે. આ ધમાકેદાર નવરાત્રિનું આયોજન ભારતીય જનતા પાર્ટીના નેતા મૂરજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
નવરાત્રિના આયોજન અંગે જણાવતા ભાજપના નેતા મૂરજીભાઇ પટેલે જણાવ્યું કે, ‘મુંબઈ શહેરમાં નવરાત્રિ આયોજનો તો ઘણા થાય છે પરંતુ અમે નક્કી કર્યું હતું કે મુંબઈવાસીઓ અને ખાસ કરીને અંધેરીમાં રહેતા લોકોને અસલી ગુજરાતની નવરાત્રિનો પરિચય કરાવીએ, જેમાં છટા, સૂર-તાલ અને સંગીતમાં ગુજરાતનો રણકો હોય. એટલા માટે અમે અંધેરીના હૉલી ફેમિલી હાઇસ્કૂલના મેદાન ખાતે છોગાળા રે નવરાત્રીનું આયોજન કર્યું છે. અમારા પ્રેરણા સ્ત્રોત એવા ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની શુભકામના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંધેરી ખાતે પહેલીવાર આટલા મોટા પાયે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે.
છોગાળા રે… નવરાત્રોત્સવના આયોજક મૂરજી પટેલ અને ગીતા રબારી
આ પ્રસંગે કચ્છની કોયલ ગીતા રબારીએ ફિલ્મી ઍકશનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘મેં દેશ-વિદેશમાં અનેક નવરાત્રિ કરી છે પરંતુ મુંબઈના આંગણે પહેલીવાર પર્ફોર્મ કરવાની છું. મુંબઈના ગુજરાતી એટલે સવાયા ગુજરાતીઓ, મને પૂરો વિશ્વાસ છે કે રસિકો નવરાત્રિને ખૂબ માણશે.
ગુજરાત કરતા મુંબઈમાં ગરબા અલગ પ્રકારના રમાતા હોય છે. સામાન્ય ભાષામાં જેને ડિસ્કો ડાંડિયા કહેવાય છે. તો તમે ટ્રેડિશનલ ગરબા રમાડશો કે મુંબૈયા?
સાચું કહું તો લોકો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે જાગૃત થઈ રહ્યા છે. જોકે છોગાળા રે નવરાત્રોત્સવમાં ખેલૈયા તેમની ઇચ્છા મુજબ ગરબા રમી શકે છે. જોકે નવરાત્રિ દરમિયાન અમે ટ્રેડિશનલ અને પૌરાણિક ગરબાને પ્રાધાન્ય આપશું. જોકે અમારો પ્રયાસ રહેશે કે નવા નવા ગરબાની સાથે રમવાનું જોશ આવે એવું સંગીત હશે. એ સાથે દરેક દેવી-દેવતાની સાથે દશના તમામ પ્રાંતના ગીત પણ તમને માણવા મળશે. એ સાથે ફિલ્મોના ઘણા કૃષ્ણ અને માતાજીના ઘણાં ગીતો છે જે યુવાનોમાં પણ લોકપ્રિય છે એ પણ રજૂ કરાશે.
આ વરસે મુંબઈમાં ફાલ્ગુની પાઠક, ઐશ્વર્યા મઝુમદાર, કિંજલ દવેની પણ નવરાત્રિ યોજાઈ રહી છે તો આ વરસે મુંબઈમાં ચતુષ્કોણીય સ્પર્ધા જોવા મળશે?
નવરાત્રિ સ્પર્ધાનો નહીં, શ્રદ્ધાનો વિષય છે. બીજું, તમામ ગાયિકાઓ મારી મિત્ર છે. મારી કોશિશ છોગાળા રે નવરાત્રિમાં આવનારાઓને મોજ કરાવવાની રહેશે. મારી જેમ ફાગ્ગુની બહેન, કિંજલ અને ઐશ્વર્યા પણ પોતપોતાની રીતે કંઇક નવું જ કરશે. હું અને કિંજલ તો બાળપણી બહેનપણીઓ છીએ. ફાલ્ગુની બહેન સાથે અંકલેશ્વરમાં સ્ટેજ શેર કર્યું છે. તેમની સાથે પણ સારા સંબંધો છે.