લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી તો રાજકારણીઓનું પ્રચારનું ટાઈમ ટેબલ ખોરવાયું
મુંબઈ અને એની આસપાસના શહેરોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કલ્યાણ-ડોમ્બિવલી, અંબરનાથ અને બદલાપુર વિસ્તારોમાં સોમવાર (૧૩ મે) બપોરથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો છે. વરસાદને કારણે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડોમ્બિવલી અને કલ્યાણ વિસ્તારમાં બપોરથી જ વાદળો ઘેરાવા લાગ્યા. અને જોતજોતામાં તોફાની પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. અડધા-પોણા કલાકના વાવાઝોડા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. અંબરનાથ અને બદલાપુર વિસ્તારમાં તોફાની પવન સાથે કરા પણ પડ્યા હતા. સતત ત્રણ કલાક સુધી આકાશમાં અંધકાર છવાયેલો રહ્યો હતો. બીજી તરફ આ વરસાદને કારણે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ હતી. ડોમ્બિવલી, કલ્યાણમાં વીજળીના અભાવે લોકોના કામકાજ ખોરવાયા હતા.

તો તોફાની પવનને કારણે ઘાટકોપરમા હોર્ડિંગ પડતા તેના નીચે આશરે ૫૯ લોકો દબાયા હતા જેમાંથી આઠ જણ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.
બનાવની જાણ થતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઘટના સ્થળે દોડી ગયા હતા. એ સાથે તેમણે ઘાયલોને સરકારી ખર્ચે સારવાર આપવાનું જાહેર કર્યું હતું. તો મૃતકનાં પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.
આજનો દિવસ મુંબઈગરાને માટે ઘણો કપરો રહ્યો હતો. વર્સોવા ઘાટકોપર મેટ્રો સેવા સસ્પેન્ડ કરાઈ હતી. તો મધ્ય રેલ્વે સેવા પર પણ વરસાદની અસર જોવા મળી હતી. રેલ્વે સેવા ઠપ થતાં મહિલાઓ સહિત હજારો પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી. વિમાની સેવાને પણ અસર થતા હવાઈ સેવા અનિશ્ચિત સમ્ય માટે બંધ જાહેર કરવામા આવી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે ત્રણ દિવસ પવન સાથે ભારે વરસાદ પડે એવી શક્યતા છે. દરમિયાન બપોરે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે ધૂળ અને કચરો લોકોના ઘરમાં ઘુસી ગયો હતો. ભારે વરસાદના કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર વૃક્ષો પડી ગયા હતા. મુંબઈમાં ભારે વરસાદ અને તોફાની પવનથી ભારે ફટકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાનું જોવા મળી રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રામ દરમિયાન, પાલઘર અને થાણે જિલ્લામાં કેટલાક સ્થળોએ વીજળી સાથે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. દરમિયાન ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં મધ્યમ વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર કલાક બહાર જતી વખતે સાવચેતી રાખવા અપીલ કરી છે. મુંબઈમાં અચાનક પડેલા વરસાદથી ટ્રાફિકને પણ અસર થઈ છે. મુંબઈમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલ મોડી દોડી રહી હતી, જેના કારણે મુંબઈ ઉપનગરો અને કલ્યાણ-ડોમ્બલી, કર્જત-કસારા વિસ્તારમાં રહેતા કામદારોને અસર થઈ રહી છે. આજે સવારે ૯.૧૫ વાગ્યાની આસપાસ થાણે અને મુલુંડ રેલવે સ્ટેશનો વચ્ચે સિગ્નલ સિસ્ટમમાં ભંગાણને કારણે અઠવાડિયાના પહેલાં જ દિવસે ડોમ્બિવલી અને કલ્યાણથી મુંબઈ જનારા મુસાફરોને અગવડ ભોગવવી પડી હતી. પરસેવામાં તરબોળ થયેલા મુસાફરો લોકલ મોડી ચાલી રહી હોવાની વાત સાંભળીને રોષે ભરાયા હતા. સિગ્નલ સિસ્ટમનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં સ્થાનિક સમયપત્રક ખોરવાઈ જતાં કામના સ્થળે પહોંચવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી.
તો બપોર બાદ અચાનક મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમા હવામાનમાં પલટો આવતા ભારે પવન સાથે પડેલા વરસાદે પશ્રિમ અને મધ્ય રેલ્વેના ઓવરહેડ વાયરને નુકશાન થતા રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો. તો ઓછી વિઝિબિલિટીને કારણે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ સેવાઓને પણ અસર થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ આપેલી જાણકારી મુજબ વધુ જાણકારી ન મળે ત્યાં સુધી મુંબઈ એરપોર્ટ પર ટ્રાફિક બંધ રહેશે.






