મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલી કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે (શુક્રવારે) એક ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે. સવારની પ્રાર્થના બાદ અઝાન પઢાવવામાં આવી હોવાનું જાણવા મળતાં એક નવો વિવાદ શરૂ થયો છે. અઝાન પઢાવાઈ રહી હોવાન જાણ થતાં જ વાલિઓમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે સ્કૂલ પ્રશાસનને ફરિયાદ કરી હતી. જ્યારે શિવસનાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવાની સાથે એફઆઈઆર નોંધવાની માગણી કરી છે. ઉપરાંત શિવસેનાએ એક પત્ર આપી સ્કૂલના સંચાલકોને આ પ્રકારે લાઉડ સ્પીકર પર અઝાન ન વગાડવા જણાવ્યું હતું. દરમિયાન જે શિક્ષકે અઝાન લગાવી હતી એને સસ્પેન્ડ કરાયા હોવાનું સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું.
સ્કૂલ પર પહોંચેલા શિવસેનાના કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે હિન્દુ બાળકોના ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આવું ક્યારેય બન્યું નહોતું. આ મામલે સ્કૂલ પ્રશાસને માફી માગી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાનું પનરાવર્તન નહી થાય એની ખાતરી આપી હતી. ત્યારે શિવસેનાના કાર્યકર્તાઓએ સ્કૂલ પ્રશાસનને ચીમકી આપી હતી કે જો ભવિષ્યમાં અઝાન પઢવાનો બનાવ બન્યો તો શિવસેના સ્ટાઇલમાં કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર વિસ્તારમાં હિન્દુઓ રહે છે. અહીં લાઉડ સ્પીકર પર અઝાન કેમ લગાવામાં આવી? આજે શુક્રવાર હોવાથી સ્કૂલમાં અઝાન લગાવવામાં આવી? આ કામ કોણે કર્યું છે? હિન્દુ સ્કૂલમાં અઝાન શું કામ? જેવા અનેક સવાલો ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે કર્યા હતા. એ સાથે જેણે અઝાન લગાવી એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને સસ્પેન્ડ કરવાની માગણી તેમણે કરી હતી. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન શાંત નહીં થાય, એમ પણ યોગેશ સાગરે જણાવ્યું હતું.
ફાઇલ ફોટો
તાજેતરમાં સ્કૂલના બાળકોનું ધર્માંતરણ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. તાજતરમાં મહારાષ્ટ્રમાંથી એક એવા શખસની ધરપકડ કરવામાં આવી જે ઑનલાઇન ગેમિંગની જાળમાં ફસાવી સગીરોને ટાર્ગેટ કરતો હતો. એના પર ધર્માંતરણનું રેકેટ ચલાવવાનો આરોપ છે. ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા મુજબ આ શખસનું પાકિસ્તાન કનેક્શન પણ છે અને એણે અનેક લોકોને ધર્માંતરણની જાળમાં ફસાવ્યા છે. ઉપરાંત તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે પણ લવ જેહાદના નામે ઉહાપોહ મચ્યો હતો. આ સિવાય પણ લવ જેહાદના અનેક કિસ્સા બહાર આવતા ધર્માંતરણ પર સતત ચર્ચા થઈ રહી છે.