આ વરસના અંત સુધીમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. એ સાથે ટ્વીટ કરીને પણ આ અંગેની જાણકારી આપી હતી.
હાર્દિક પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, આજે હું હિંમત કરી કૉંગ્રેસ પક્ષના હોદ્દાની સાથે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયને મારા દરેક સાથીઓ અને ગુજરાતની જનતા આવકારશે. મારું માનવું છે કે મારા આ નિર્ણય બાદ ભવિષ્યમાં હું ગુજરાત માટે સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ.
સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, અનેક પ્રયાસો કરવા છતાં કૉંગ્રેસ પક્ષ દ્વારા દેશ હિત તથા સમાજ હિતથી વિપરિત કાર્ય થઈ રહ્યુ છે જે આપના ધ્યાનમાં લાવવી જરૂરી છે. એ સાથે હાર્દિકે લખ્યું કે, આ એકવીસમી સદી છે અને ભારત વિશ્વનો સૌથીયુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્ત્વ ઇચ્છે છે, પરંતુ છેલ્લા ત્રણેક વરસથી હું જોઈ રહ્યોછું કે કૉંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે. જ્યારે દેશના લોકોને વિરોધ નહીં, એક એવો વિકલ્પ જોઇએ છે જે તેમના ભવિષ્ય અંગે વિચારતો હોય, દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવતો હોય.
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર હોય, સીએએ-એનઆરસીનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવાની વાત હોય કે જીએસટી અમલમાં મુકવા જેવા નિર્ણય હોય, દેશ લાંબા અરસાથી એનો નીવેડો આવે એવું ઇચ્છતો હતો. જ્યારે કૉંગ્રેસ પાર્ટી માત્ર એમાં અવરોધ ઊભા કરવાનું કામ કરતી રહી. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ… દરેક મુદ્દે કૉંગ્રેસનું વલણ કેન્દ્રનો વિરોધ કરવા પૂરતું જ મર્યાદિત રહ્યુ છે. કૉંગ્રેસને લગભગ દરેક રાજ્યની જનતાએ નકારી દીધી છે, કારણ કૉંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ એક બેઝિક રોડમેપ રજૂ કરી શકી નથી.
પત્રમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દાને ગંભીરતાથી ન લેવો એ એક મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પક્ષના વરિષ્ઠ નેતાને મળ્યો છું ત્યારે એવું લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પક્ષની સમસ્યાઓને સાંભળવા કરતા તેમના મોબાઇલ અને અન્ય બાબતો પર વધુ રહ્યું હતું. જ્યારે પણ દેશ સંકટમાં હોય કે કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ આવશ્યકતા હતી ત્યારે અમારા નેતા વિદેશમાં હતા. કૉંગ્રેસના સિનિયર નેતાઓ ગુજરાત સાથે એવો વર્તાવ કરતા હતા કે જાણે તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત હોય. એવામાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પ તરીકે અપનાવશે.