દૃશ્ય પહેલું
જ્વેલર્સને ત્યાં એક મુસ્લિમ મહિલા આવે છે અને તેના સસરા બીમાર હોવાથી ઘરની જણસ વેચવી છે. જ્વેલર્સના માલિક દાગીના તપાસે છે, વજન કરે છે અને દાગીના ખરીદવા માટેની બધી પ્રક્રિયા પૂરી કરે છે. જેમાં જણસ વેચવા આવેલી મહિલાનું આધાર કાર્ડ લેવાની સાથે બજાર ભાવ મુજબ થતી કિમત હિસાબે ગણતરી કરી ઑનલાઇન પૈસા ચુકવે છે. આ તમામ વ્યવહાર દુકાનમાંના સીસીટીવી કેમેરામાં પણ ઝડપાય છે. દુકાનદાર અધિકૃતપણે દાગીના ખરીદ્યા બાદ એને પાલિશ કરી શોકેસમાં વેચવા માટે પણ મુકે છે
દૃશ્ય બીજું
દાગીના વેચનાર મહિલાની સાસુ અને જેઠાણી દુકાનમાં આવે છે અને કહે છે કે મારા ઘરમાંથી ચોરાયેલા દાગીના તમે ચોર્યા છે. આઘેડ મહિલા સાથે આવેલી મોટી વહુ તો સોનાનો હાર ઉપાડીને દુકાનમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. પણ દરવાજા પર લૉક હોવાથી ભાગી શકતી નથી. બંને મહિલાઓ અને હાર લઈને ભાગવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના દૃશ્યો પણ દુકાનમાં મુકાયેલા સીસીટીવી કેમેરામાં ઝડપાય છે.
દૃશ્ય. ત્રીજું
દુકાનદારના આશ્ચર્ય વચ્ચે મીરા રોડ સ્થિત કાણકિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમની ટીમ સાથે દુકાનમાં એન્ટ્રી કરે છે. પોલીસની ટીમ બંને મહિલાઓની હાજરીમાં દુકાનની તલાસી લે છે. ચાર કલાક ચાલેલી તપાસ બાદ પોલીસ 227 ગ્રામ સોનુ જપ્ત કરી લઈ જાય છે. આ અંગે દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ કોઈ પણ પ્રકારના સર્ચ વૉરન્ટ વગર આવી, તલાસી લીધી અને પંચનામું કર્યા વગર 227 ગ્રામ સોનુ લઈ ગઈ.
હવે વાત વિગતવાર જોઇએ…
વાચકોને થશે આવું કંઈ બનતું હશે? પણ આ હકીકત છે. મીરા રોડમાં સિનેમેક્સ પાસે આવેલી છાપરિયા ભૈરવ જ્વેલર્સના માલિક સાથે આ ઘટના ઘટી છે. છાપરિયા ભૈરવ જ્વેલર્સના માલિક મહેન્દ્રભાઈ જણાવે છે કે, થોડા દિવસ પહેલાં અમારી બાજુના મકાનમાં રહેતી એક મહિલા દુકાનમાં આવી અને સસરાની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી દાગીના વેચવા આવી હોવાનું જણાવ્યું હતું. મહેન્દ્રભાઈએ દાગીનાની ચકાસણી અને વજન કર્યા બાદ બજાર ભાવના હિસાબે 187 ગ્રામ સોનાના પૈસા ઑનલાઇન ચુકવે છે. જોકે પૈસા ચુકવવા અગાઉ મહેન્દ્રભાઈ એ મહિલાનું આધાર કાર્ડની કૉપી લેવાની સાથે એક વેચાણખત બનાવે છે જેમાં એ મહિલાની સહી પણ લે છે. મહેન્દ્રભાઈ સોનુ લીધા બાદ એને પાલિસ કર્યા બાદ દુકાનના શોકેસમાં પણ મુકે છે.
દરમિયાન, આવનાર મહિલાની સાસુ મીરા રોડના કાણકિયા પોલીસ સ્ટેશનમાં દાગીના ચોરાયાની ફરિયાદ નોંધાવે છે. ફરિયાદમાં એણે જણાવ્યું હતું કે એની નાની વહુએ દાગીના ચોર્યા હતા જે છાપરિયા જ્વેલર્સને વેચી માર્યા. મહિલાએ નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસ અધિકારી દુકાનમાં આવી પૂછપરછ કરે છે. એ સમયે મહેન્દ્રભાઈ સોનુ ખરીદતી વખતે થયેલા વ્યવહારના તમામ દસ્તાવેજો બતાવે છે. જેટલા દાગીના હતા એ તમામની અલગ રેવન્યુ સ્ટેમ્પ સાથેની રસીદ બનાવી એના પર સહી પણ લીધી હોવાનું પણ પોલીસ અધિકારીને જણાવે છે. ઉપરાંત એકાદ લાખ રોકડા આપ્યા હોવાનું તથા બાકીના ઑનલાઇન ચુકવ્યા હોવાનો બેન્કનો વ્યવહાર પણ પોલીસને બતાવે છે. આમ છતાં પોલીસ ચટાર કલાકની તપાસ બાદ 227 ગ્રામ સોનુ જપ્ત કરે છે.
મહેન્દ્રભાઈ જણાવે છે કે મારા તો પૈસા પણ ગયા અને લીધું હતું એના કરતા પચીસ-ત્રીસ ગ્રામ વધુ સોનુ પણ ગયું. પોલીસે સોનુ જપ્ત કર્યું એની કોઈ પહોંચ પણ મને આપી નથી. મારે ન્યાય જોઇએ છે. મેં સોનુ ખરીદવામાં કોઈ ગેરકાયદે કામ કર્યું નથી. છતાં મને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે. આ અંગે મેં કોર્ટમાં પણ અપીલ કરી છે. મારે બીજું કંઈ નથી જોઇતું પણ ન્યાય જોઇએ છે. મને મારા પૈસા અને વધારાનું સોનું પાછું મળે એટલી જ મારી માગણી છે.






