સિલ્વર પાર્ક પાસેની બિલ્ડિંગનો બીજા માળના ફ્લેટનો સ્લેબ પહેલાં માળે પડ્યો
મીરા રોડમાં સિલવર પાર્ક નજીક આવેલાં એક બિલ્ડિંગના બીજા માળના ફ્લેટનો સ્લેબ તૂટી પહેલા માળના ફ્લેટમા પડતાં પાંચ લોકોને સામાન્ય ઇજા થઇ હતી. આને પગલે અગ્નિશમન દળે બિલ્ડિંગને પૂર્ણપણે ખાલી કરાવી સીલ કરી દીધું હતું. ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડે આ અંગે જાણકારી આપતા કહ્યું કે નગરપાલિકાને રહેવાસીઓ માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની જરૂર નથી કારણ કે તેમની પાસે અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા છે. આ ઈમારતને ખતરનાક ઈમારતોમાં સામેલ કરવામાં આવી નહોતી.

મીરા રોડના સિલ્વર પાર્ક વિસ્તારમાં આવેલી બે માળની ચંદ્રેશ એકોર્ડ બિલ્ડિંગના બીજા માળે ફ્લેટ નંબર ૨૦૩ના રૂમનો સ્લેબ તૂટીને નીચેના પહેલા માળે આવેલા ફ્લેટમાં પડ્યો હતો. જેના કારણે ઘરમાં સૂઈ રહેલા પાંચ લોકો નીચેના માળે પડયા હતા. સદભાગ્યે જ્યાં સ્લેબ પડ્યો હતો ત્યાં પહેલા માળાના ફ્લેટમા કોઈ નહોતું. પરંતુ ઉપરના માળેથી પડેલાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને બિલ્ડિંગના તમામ રહેવાસીઓને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં મનીષા મહાડિક (૫૯), મુકેશ મહાડિક (૩૨), શીતલ ભુવડ (૪૨), અંકિતા ભુવડ (૨૨), સિદ્ધાંત મહાડિક (૧૧)ને સામાન્ય ઈજાઓ થઈ હતી. એક વ્યક્તિના હાથમાં ફ્રેક્ચર થયું છે. આ તમામને ભાઈંદર પશ્ચિમની ભારતરત્ન પંડિત ભીમસેન જોશી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. આ બિલ્ડિંગનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.