યુપી-એમપી બાદ મુંબઈ મહાપાલિકાની ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવાયું
મુંબઈના દરિયા કિનારા પર સીઆરઝેડના નિયમોનો ભંગ કરી બનેલા અનેક ગેરકાયદે બાંધકામો પર શુક્રવારે મુંબઈ મહાપાલિકાએ બુલડોઝર ચલાવ્યું હતું. પાલિકાએ મલાડ સ્થિત મઢ ખાતે બનાવાયેલા વિશાળ સ્ટુડિયો અને બંગલો ધ્વસ્ત કર્યા હતા. મળતા અહેવાલ મુજબ આ સ્ટુડિયો કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન અસલમ શેખ દ્વારા બાંધવામાં આવ્યો હતો.

બુલડોઝરની કાર્યવાહી અંગે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, આદિત્ય ઠાકરે અને અસલમ શેખે આ વિસ્તારની અનેકવાર મુલાકાત લીધી હતી ફેબ્રુઆરી 2021માં ઉદ્ધવ ઠાકરે સરકારે એને કામચલાઉ બાંધકામ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, આદિત્ય ઠાકરેએ એને ટેમ્પરરી સ્ટ્રક્ચર જણાવી માન્યતા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે સ્ટુડિયોના નામે એક હજાર કરોડ રૂપિયાના ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. આના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટુડિયો પર બુલડોઝરપર કાર્યવાહી થઈ રહી હતી ત્યારે કિરીટ સોમૈયા પણ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી હતી.
કાર્યવાહી દરમિયાનઉપસ્થિત રહેલા કિરીટ સોમૈયાએ જણાવ્યું કે, આ ગેરકાયદે બાંધકામને ઉદ્ધવ ઠાકરેએ ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે પરવાનગી આપી હતી અને હપ્તા મળે કે છ મહિન માટે પરમિશન વધારવામાં આવતી હતી.
કિરીટ સોમૈયાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો કાર્યવાહી કરવા તેમ જ ગોટાળાની તપાસનો આદેશ આપવા માટે આભાર માન્યો હતો.
મલાડ પશ્ચિમમાં મઢ ખાતે આવેલા આ સ્ટુડિયો બાલાજી સ્ટુડિયોના નામે પણ જાણીતો હતો. જોકે દસ્તાવેજોમાં એનું નામ ટીજીઆઈએફ સ્ટુડિયો હતું. આ સ્ટુડિયોમાં છેલ્લા થોડા સમયગાળા દરમિયાન કરોડોનું બડેટ ધરાવતી રામ સેતુ, આદિપુરુષની સિક્વંસ સહિત અનેક ફિલ્મોના શૂટિંગ થયા હતા.
Comments 1