વર્લ્ડ કપ 2023માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ હજાર બહાના કાઢનાર પાકિસ્તાનને હવે ઑસ્ટ્રેલિયાએ કારમી હાર આપી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કાંગારૂઓએ બાબર આઝમની સેનાને 62 રનથી હરાવી આ વર્લ્ડ કપમાં સતત બીજી જીત મેળવી છે.
14 ઓક્બર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને કારમી હાર આપી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડાયરેક્ટર મિકી આર્થર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બોદો બચાવ કર્યો હતો. તેમણે પાકિસ્તાની ખેલાડીઓના મેદાન પરના દેખાવને બદલે બીજી બાબતો પર ફોકસ કરી હારના બહાનાની લંગર લગાવી. જોકે આજે બાબર આઝમની પોલ ખુલી ગઈ.
ભારત સામે મળેલી હાર બાદ પીસીબી અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ કાગારોળ મચાવી કે પાક ખેલાડીઓ સાથે ભારતમાં યોગ્ય વ્યવહાર થતો નથી. પાકિસ્તાનનો આ આક્ષેપ એટલા માટે પાયાવિહોણો છે કારણ આવું પહેલીવાર નથી બન્યું કે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હોય. દુનિયાના વિવિધ દેશોમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે. હવે જ્યારે આવો અવસર ભારતમાં મળ્યો હોય તો ભારતીય ચાહકો એની ટીમનું સમર્થન પણ ન કરે એવું કેમ બને? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે બંને ટીમનો આમનો-સામનો થયો ત્યારે એક લાખથી વધુ દર્શકોએ રોહિત શર્મા એન્ડ કંપનીને ચિયર કરવાની સાથે અમુક પાકિસ્તાની ખેલાડીઓને ચીડવ્યા પણ ખરા. પોતાની રમત પર ધ્યાન આપવાને બદલે પાકિસ્તાનની ટીમે બહાના કાઢવા માંડ્યા. પણ હવે ઑસ્ટ્રેલિયા પણ પાક ટીમને પાઠ ભણાવ્યો.
વર્લ્ડ કપ 2023માં નંબર વન વન-ડે બેટ્સમેન બનીને આવેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના બેટની જાણે બોલતી બંધ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ બાબર માત્ર 18 રન બનાવી પેવેલિયન તરફ ચાલતી પકડી. આ અગાઉ ભારત સામેની મેચમાં કાચબાની સ્પીડે પચાસ રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ 2023માં સતત બીજી હાર મળ્યા બાદ પાકિસ્તાન માટે સેમિ ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં પાકિસ્તાન બે મેચમાં જીત મળી છે તો બેમાં કારમી હાર.
Comments 1