વિશ્વના અનેક દેશો આતંકવાદનો સામનો કરી રહ્યા છે. એ માટે ખાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ બનાવી છે. ત્યારે ફ્રાન્સ એક એવા આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે જેને કારણે સરકારથી લઈ ઓલિમ્પિક ગેમ્સના આયોજકો હેરાન પરેશાન છે. એટલું જ નહીં, લોકોમાં આંશિક રીતે ભયનો માહોલ સર્જાયો છે. હકીકતમાં કોઈ આતંકવાદી સંગઠનને કારણે ફ્રાન્સમાં ભય નથી ફેલાયો પણ ઘરના ખૂણેખાચરે, ખાસ કરીને કપડાં અને ગાદી તકિયામાં અડીંગો જમાવતા માંકડને કારણે ફ્રાન્સના સત્તાધીશો ચિંતિત છે. 2024માં ફ્રાન્સ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. ઇવન્ટને યાદગાર બનાવવા પ્રશાસન તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે તેમની અડધી મહેનત તો માંકડનો ત્રાસ કેવી રીતે દૂર કરવો એની ચર્ચામાં વીતી રહ્યો છે.
હકીકતમાં આ વરસે ઉનાળા દરમિયાન ફ્રાન્સની હોટેલ્સ અને અન્ય પર્ટનના સ્થળોએ માંકડ જોવા મળ્યા હતા. ધીરે ધીરે માંકડ ફ્રાન્સના અન્ય શહેરોમાં પણ ફેલાયા. સિનેમા હૉલ, ટ્રેન-બસો અને ઘરોમાં માંકડે એન્ટ્રી કરી. પરિસ્થિતિ એવી થઈ કે માંકડ અને મચ્છરોનો ખાત્મો કરનારી કંપનીઓએ પણ હાથ ઉપર કરી દીધા અને કહ્યું કે તેઓ આ સમસ્યાને કાબુમાં લાવી શકે એમ નથી. માંકડને કારણે ફ્રાન્સમાં લોકો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુએલ ગ્રેગોરીએ વડા પ્રધાન એલિઝાબથ બોર્નને પત્ર લખીઆ સમસ્યા અંગે નેશનલ ઍક્શન પ્લાન તૈયાર કરવાની માંગણી કરી છે. સમસ્યા એટલી ગંભીર બની છે કે સરકાર લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહી છે.
ફ્રાન્સના પરિવહન પ્રધાને તાજેતરમાં રાજધાની અને અન્ય શહેરોમાં માંકડના વધી રહેલા ત્રાસ અંગે આવી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.ક્લેમેન્ટ બ્યૂને એક ઇન્ડસ્ટ્રી મીટિંગમાં પત્રકારોને જણાવ્યું કે, આ સમસ્યાને પહોંચી વળવા માટે અમે ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ ઉપરાંત અન્ય ઉપાયયોજના અંગે વિચારણા કરી રહ્યા છીએ. એ સાથે તેમણે કહ્યું કે સફાઈ કરતી કંપનીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
ફ્રાન્સમાં માંકડનો ત્રાસ એટલો વધી રહ્યો છે કે લોકો સોશિયલ મીડિયા પર પેરિસ મેટ્રો, હાઈ સ્પીડ ટ્રેન, સિનેમા હૉલ, ઍરપોર્ટ ઉપરાંત લોકોના ઘરોમાં ઝડપથી વધી રહેલા માંકડના અનેક વિડિયો શેર કરી રહ્યા છે.
ફ્રેન્સના પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે 1950ના દાયકામાં ફ્રાન્સમાંથી માંકડ સમગ્રતયા ગાયબ થઈ ગયા હતા. પરંતુ હવે ઇન્ટરનેશનલ ટ્રાવેલ અને જંતુનાશક દવાસામે વધતી જતી પ્રતિકારશક્તિને કારણે માંકડનો ત્રાસ ફરી વધી રહ્યો છે.
હકીકકતમાં ફ્રાન્સ માંકડની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે ત્યારે સરકારે ચેતવણી આપી છે કે પેરિસમાં યોજાનારી ઓલિમ્પ્કિસ પહેલાં આ સમસ્યાનો નીવેડો આવવો જોઇએ. મળતા અહેવાલોને સાચા માનીએ તો પેરિસ માંકડોના આતંકથી સૌથી વધુ પ્રભાવિત છે. અને અત્યારની પરિસ્થિતિ જોતા માંકડ ફ્રાન્સ માટે રાષ્ટ્રિય સમસ્યા બની ગયા છે.
રાજધાની પેરિસમાં માંકડની સમસ્યાએ સરકાર સામે કેટલો મોટો પડકાર છે એ વાતનો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે માકડના કરડવાથી થતી બિમારીના ઇલાજને પણ આરોગ્ય વિમામાં સામેલ કરવા અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ થઈ રહી છે.
ફ્રાન્સમાં બેડબગ (માંકડ)ના વધતા જતા કેસની તપાસ માટે એક ઇમર્જન્સી બેઠકનું આયોજન કરવામાં આવશે. માંકડના વધતા જતા કિસ્સાઓ ફ્રાન્સમાં એક વિવાદિત મુદ્દો બની ગયો છે. માંકડને કારણે માર્સિલે અને વિલેફ્રેન્ચ-સુર-સાઓનની એક એક સ્કૂલને સફાઈ કરવા માટે થોડા દિવસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ફ્રાન્સની નેશનલ એસેમ્બ્લીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનના સત્તાધારી પક્ષના પ્રમુખ સિલ્વેન માઇલાઈએ જણાવ્યું કે, માંકડના સંકટને પહોંચી વળવા ડિસેમ્બરની શરૂઆતમાં એક ક્રોસ-પાર્ટી બિલ લાવવામાં આવશે. આ બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે અને દક્ષિણપંથી તથા ડાબેરી જેવા વિરોધ પક્ષોને ક્રોસ-પાર્ટી અંગે સૂચનો આપવાનો આગ્રહ કરવામાં આવશે.
તો ફ્રાન્સના આરોગ્ય પ્રધાન ઑરલિયન રુસોએ ફ્રાન્સ ઇન્ટર રેડિયો પર ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલે ડરવાની જરૂર નથી. રુસોએ જનતાને છેતરપીંડીથી બચવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે માંકડની મુસીબતનો ફાયદો ધુતારાઓ લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માંકડથી છૂટકારો મેળવવા પેરિસના રહેવાસીઓ બેથી ત્રણ હજાર યુરો ચુકવી રહ્યા છે.
ઘણાને જાણકારી હશે જ કે માંકડના કરડવાથી ત્વચા પર લાલ ચકામા ઉપસી આવવાની સાથે ખંજવાળ પણ આવે છે. અને એને કારણે એલર્જી પણ થઈ શકે છે. માંકડ કરડવાને કારણે માનસિક ત્રાસ તો થાય જ છે ઉપરાંત નીંદરની સમસ્યા પણ થઈ શકે છે.