ભાયંદર વેસ્ટમાં મોદી પટેલ રોડ પર આવેલા દ્વારકેશ કપોળ નિવાસના રહેવાસીઓએ તેમનું હક્કનું ઘર મેળવવા અનશન શરૂ કર્યા છે. જો તેમનું ઘરના વિકાસનું કામ ફરી શરૂ નહીં થાય તો ટ્રસ્ટીઓના ઘર બહાર અનશન શરૂ કરશે તેવી ચીમકી પ્રમુખ કિશોર મોદી અને સેક્રેટરી જય મહેતાએ આપી હતી.
૧૨ વર્ષ પહેલા પુનર્વિકાસના નામે દ્વારકેશ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું. ટ્રસ્ટની માલિકીનું આ મકાન તોડી પડયા બાદ ૮૦ ભાડુઆતો બેઘર બની ગયા હતા. આ સમયગાળા દરમિયાન ૩૮ જેટલા ભાડૂઆતો મૃત્યુ પામ્યા છે. ટ્રસ્ટીઓ ભૂપત સંઘવી અને ભરત સંઘવી અને બિલ્ડર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનો દાવો ભાડૂઆતો કરી રહ્યા છે. ચેરિટી કમિશનર દ્વારા ટેન્ડર થકી પ્રવીણ વોરાને પુનર્વિકાસનું કામ આપવામાં આવ્યું હતું. જો કે ટ્રસ્ટીઓ અને પ્રવીણ વોરા વચ્ચે ચાલતા વિખવાદ અને પોતાના સ્વાર્થને કારણે હજી કામ શરૂ થયું જ નથી અને મધ્યમ વર્ગના ભાડુઆતો પોતાના ખર્ચે ભાડુ ભરી બહાર રહેવા મજબૂર થયા છે.
જતીન મહેતા જેઓ પણ ભાડુત છે તેમણે જણાવ્યું હતું કે, જો ટ્રસ્ટીઓ અને બિલ્ડર અહીં પુનવિકાસનુ કામ ન કરી શકતા હોય તો અમને અને કોર્ટમાં લેખિતમાં આપે તો અમે ભાડુઆતો સાથે મળી પુનર્વિકાસનું કામ કરીશું.
હાલ ૧૨ વર્ષથી બેઘર બનેલા ભાડૂઆતો હવે આક્રમક બન્યા છે. જો ટ્રસ્ટીઓ તથા પ્રવીણ વોરા કોઈ નક્કર પરિણામ નહીં આપે અને પુનર્વિકાસનું કામ શરૂ નહીં કરે તો ભાડૂઆતોએ દિવાળીના તહોવારના દિવસોમાં ટ્રસ્ટીઓ અને ડેવલપરના ઘર બહાર ઉપવાસ શરૂ કરવાની ચીમકી આપી છે.