સોશિયલ મીડિયા પર વાયરલ જાહેરાત સામે બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયનો પોલીસને પત્ર,
મહિલાઓની સલામતી અંગે પણ ચિંતા
મુંબઈ: નવરાત્રિ એટલે આસ્થા, પરંપરા, સંગીત અને ગરબાના તાલે ઉજવાતો ઉત્સવ. પરંતુ આ પવિત્ર પર્વને લઈને સોશિયલ મીડિયા પર ફરતી એક કથિત જાહેરાતે વિવાદ જગાવ્યો છે. “ગરબા રમવા માટે ભાડા પર પાર્ટનર મળશે” જેવી જાહેરાત સામે બોરીવલીના ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વિરોધ નોંધાવી મુંબઈ પોલીસ કમિશનર, ઝોન-૧૧ અને ઝોન-૧૨ના ડીસીપી તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરોને પત્ર લખી તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર ફરતી આ જાહેરાતમાં એકલા ગરબા રમવા ન પડે તે માટે યુવક કે યુવતીને ‘પાર્ટનર’ ભાડે ઉપલબ્ધ કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી વિવિધ સ્કીમના નામે રૂ. ૧,૦૦૦થી લઈને રૂ. ૬,૫૦૦ સુધીના ચાર્જ દર્શાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કલાકના ધોરણે સેવા ઉપરાંત જરૂરિયાત મુજબ ગરબા પૂર્ણ થયા બાદ પણ ‘સેવા’ આપવાની વાત કરવામાં આવી છે. આ પ્રકારની ભાષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે.
ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે આ જાહેરાતને ગંભીરતાથી લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે મહિલાઓની સલામતી અને સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જાહેરાત પાછળના લોકો તથા તેની વાસ્તવિકતાની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે લવજેહાદની સંભાવના અંગે પણ શંકા વ્યક્ત કરી અને અગાઉની કેટલીક કથિત એસ્કોર્ટ સર્વિસ જેવી પ્રવૃત્તિ સાથે તેની સંભવિત સામ્યતા અંગે ચિંતા દર્શાવી છે.
ભાજપ ઉત્તર મુંબઈના મીડિયા પ્રભારી અને મહિલા નેતા નીલા સોનીએ પણ આ જાહેરાત સામે નારાજગી વ્યક્ત કરી છે. એક મહિલા તરીકે આવી જાહેરાત અપમાનજનક લાગે છે અને ભવિષ્યમાં કોઈ આવી જાહેરાત કરવાની હિંમત ન કરે તે માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેવી માંગ તેમણે કરી છે.
અસામાજિક તત્વો સામે કાર્યવાહી જરૂરી : પિનાકીન શાહ

બોરીવલી વેસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રિનું આયોજન કરતા પિનાકીન શાહે પણ આવી જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે, હિન્દૂ સંસ્કૃતિ સાથે જોડાયેલા પર્વની ગરિમા જળવાઈ રહે તે જરૂરી છે. રાયગઢ શિવપ્રતિષ્ઠાનના બેનર હેઠળ ચીકુવાડીમાં ભૂમિ ત્રિવેદી સાથે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. જોકે, નવરાત્રિમાં આવનારા દરેક વ્યક્તિને તિલક કરીને પ્રવેશ આપવાની બાબત સાથે તેઓ સહમત નથી. આજની યુવા પેઢીની માનસિકતા અને વ્યવહારિકતાને ધ્યાનમાં રાખીને આવા નિયમો અંગે વિચાર કરવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી છે.
આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસમાં સોશિયલ મીડિયા પર ફરતી જાહેરાતની વાસ્તવિકતા, તેના સંચાલકો અને તેના હેતુ અંગે શું સામે આવે છે તેના પર સૌની નજર છે.





