રેલવે સ્ટેશન પર આધુનિક શૌચાલય અને અતિક્રમણમુક્ત પરિસર બનાવવાની પણ પહેલ
મુંબઈ : મુંબઈમાં પાણીની અછત અને ઘટતા ભૂગર્ભજળના સ્તર વચ્ચે બોરીવલીના ભાજપના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે જળસંચયની દિશામાં મહત્ત્વાકાંક્ષી પહેલ કરવાની જાહેરાત કરી છે. પોતાના મતવિસ્તારની 1000થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કુવા બનાવવાનો તેમનો સંકલ્પ છે. આ ઉપરાંત બોરીવલી રેલવે સ્ટેશન પર આધુનિક શૌચાલયની સુવિધા ઊભી કરવા અને સ્ટેશન પરિસરને અતિક્રમણમુક્ત બનાવવાની દિશામાં પણ તેમણે કામગીરી શરૂ કરી છે.
મુંબઈમાં ઓછા વરસાદ અને અલનીનોની અસરને કારણે પાણીની ઉપલબ્ધતા સામે પડકાર ઊભો થયો છે. બીજી તરફ, રસ્તાઓ અને સોસાયટીઓમાં પેવર બ્લોકના વધતા ઉપયોગ, વૃક્ષોની કાપણી અને વરસાદી પાણીના યોગ્ય સંગ્રહના અભાવે ભૂગર્ભજળનું સ્તર ઘટી રહ્યું છે. આવા સંજોગોમાં દરેક સોસાયટીમાં વરસાદી પાણી જમીનમાં ઉતરે અને તેનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો સંજય ઉપાધ્યાયનો પ્રયાસ છે.
તેમના જણાવ્યા અનુસાર, રોજિંદા જીવનમાં પાણીનો બેફામ વપરાશ થાય છે. એક કુટુંબ દરરોજ 150થી 200 લીટર જેટલું પાણી વેડફી શકે છે, જ્યારે વરસાદ દરમિયાન જળસંગ્રહની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અબજો લીટર પાણી ગટર મારફતે દરિયામાં વહી જાય છે. વરસાદી પાણીનો સંગ્રહ ભવિષ્યની પાણીની જરૂરિયાત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
બીજી તરફ, બોરીવલી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મ પર આધુનિક અને સ્વચ્છ શૌચાલય બનાવવા રેલવે પ્રશાસન સાથે પત્રવ્યવહાર શરૂ કરાયો છે. મંજૂરી મળ્યા બાદ આ સુવિધા શરૂ કરવાની યોજના છે. સ્ટેશન નજીકના અતિક્રમણ દૂર કરવા અને મુસાફરોની ભીડનું વ્યવસ્થાપન કરવા પણ પગલાં લેવાશે.
સંજય ઉપાધ્યાયનો ઉદ્દેશ્ય બોરીવલીને જળસંચય, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત જાહેર સુવિધાઓના ક્ષેત્રે પશ્ચિમી ઉપનગરો માટે એક મોડેલ તરીકે વિકસાવવાનો છે.





