ભારતીય નૌસેના અને ઓમાનની રોયલ નેવીએ દ્વિપક્ષીય દરિયાઈ અભ્યાસ ‘નસીમ અલ બહર’ (સી બ્રિઝ)ની 15મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ સંયુક્ત કવાયતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશોની નૌસેનાઓ વચ્ચે કાર્યક્ષમ તાલમેલ વધારવા, વ્યાવસાયિક સહયોગ મજબૂત કરવા અને પરસ્પર સમજણ વિકસાવવાનો હતો.

કવાયતના હાર્બર તબક્કા દરમિયાન બંને નૌસેનાની નિષ્ણાત ટીમો વચ્ચે વિશેષ વિષયોની ચર્ચા અને જ્ઞાનની આપ-લે કરવામાં આવી હતી. તેમાં વિસ્ફોટક પદાર્થોનો નિકાલ (EOD), માઇન કાઉન્ટરમેઝર ઓપરેશન્સ અને હાઇડ્રોગ્રાફી જેવા મહત્ત્વના દરિયાઈ વિષયોનો સમાવેશ થયો હતો.

ત્યારબાદ યોજાયેલા દરિયાઈ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજ INS સુરત અને ઓમાનની રોયલ નેવીના જહાજ અલ મુઆઝ્ઝર (Al-Mu’azzar)એ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન જહાજ પર ચઢીને તપાસ અને જપ્તીની પ્રક્રિયા (VBSS) તથા ક્રોસ-ડેક ઓપરેશન્સની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

આ કવાયત ભારત અને ઓમાન વચ્ચેની મજબૂત દરિયાઈ ભાગીદારીનું પ્રતીક છે. સાથે જ ભારત સરકારના ‘મહાસાગર’ વિઝનને અનુરૂપ પ્રાદેશિક દરિયાઈ સહયોગ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.






