આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે કાંદિવલીમાં વિશેષ સંમેલનનું આયોજન; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને પાત્ર લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ
આદિવાસી સમાજના અધિકાર, અસ્મિતા અને સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનાર મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી તથા આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ ઉત્તર મુંબઈ દ્વારા કાંદિવલી પશ્ચિમના સમતા ક્રીડા ભવન ખાતે ભવ્ય જન્મજયંતી સમારોહ અને આદિવાસી સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે વિક્રમગઢના ધારાસભ્ય હરિશ્ચંદ્રજી ભોયે, ભાજપ મહારાષ્ટ્રના મહામંત્રી અને ચારકોપના ધારાસભ્ય યોગેશ સાગર, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, પૂર્વ મંત્રી વિજય (ભાઈ) ગિરકર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા પાત્ર લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. શિબિરમાં પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બિરસા મુંડાના સંઘર્ષમય જીવનને યાદ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રદર્શનમાં આદિવાસી કલા અને સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ હતી.
દીપક (બાલા) તાવડેએ સન્માનિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો તથા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરનાર તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.





