મુંબઈના ઉપનગર બોરિવલી ખાતે આ વર્ષે ખેલૈયાઓ ક્યા રમવા જવુ તેની મીઠી મૂંઝવણ અનુભવશે. કારણ, પાંચ મોટા નવરાત્રોત્સવનું આયોજન બોરિવલી ખાતે થઈ રહ્યું છે. રાયગઢ પ્રતિષ્ઠા અને બીજેપી નેતા પ્રવીણ દરેકર, પ્રકાશ દરેકરના માર્ગદર્શન હેઠળ મુખ્ય આયોજક મહાવીર કન્સ્ટ્રક્શનના પિનાકીન શાહ બોરિવલી સ્થિત ચીકુવાડી ખાતે રાસરંગનુ આયોજન કરી રહ્યા છે. બૉલિવુડ-ઢોલિવુડની પ્લેબેક સિંગર તથા પારંપારિક અને અર્વાચીન ગરબાની જાણીતી ગાયિકા ભૂમિ ત્રિવેદી ખેલૈયાઓને થિરક્તા કરશે એમ હાઈટેક ઇવેન્ટ મેનેજમેન્ટના જિગ્નેશ ભુતાએ જણાવ્યું હતું.

ભૂમી ત્રિવેદી લાંબા અરસા બાદ ફરી મુંબઈમાં નવરાત્રિમાં ગજવશે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધનાની સાથે ભૂમિ પારંપારિક અને આધુનિકતાના મિશ્રણ ગરબા રજૂ કરશે. તો બૉલિવુડ અને ઢોલીવુડનાં ગીતો ગાઈ ખેલૈયાઓને ડોલાવશે. આ માટે તેણીએ કેટલાક નવતર પ્રયોગ કરવાનું પણ આયોજન કર્યું છે. એક વખત સ્ટેજ પર ગયા પછી ફક્ત ખેલૈયાઓ મારા માટે સેલિબ્રિટી છે અને તેઓ મન મૂકીને ગરબે ઝૂમે એ જ મારું લક્ષ્ય હોય છે એમ ભૂમિએ જણાવ્યું હતું

રંગરાસના ખેલૈયાઓની સલામતી અને શાંતિથી ઉત્સાહભેર ગરબા અને રાસ રમી શકે તે માટે આ વર્ષે ૨૦૦/ રૂપિયાના પાસ રાખવામાં આવ્યા છે. જો કે ૨૦૦ રૂપિયાની એન્ટ્રી સામે તેના કરતાં વધુ રકમનાં વાઉચર આપવામાં આવશે જેમાં પાણી અને નાસ્તાની કુપન હશે. રસરંગ નવરાત્રિના પાસ ઑફ લાઈનની સાથે બુક માય શો પરથી પણ મેળવી શકાશે. ખેલૈયાઓની સુવિધા માટે અંદાજે પોણા બે લાખ ફૂટનું વુડન પ્લેટફોર્મ તેમ જ સુરક્ષા માટે આધુનિક સિક્યુરિટી સિસ્ટમનો ઉપયોગ કરાશે તેમ પિનાકીન શાહે જણાવ્યું હતું. બીજેપી અને રાજકીય નેતાઓ ઉપરાંત બૉલિવુડ અને ટેલિવુડના કલાકારો પણ રંગરસિયાઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે.






