દિવ્યાંગજનના ડબ્બામાં ઘૂસણખોરી કરનારા પોલીસને પણ ગાંઠતા નથી
અનેક ફરિયાદો ઉપરાંત સોશિયલ મીડિયા પર અપીલ કરાતી હોવા છતાં , સક્ષમ મુસાફરો મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં દિવ્યાંગજન માટે આરક્ષિત ડબ્બામાં ગેરકાયદે કબજો જમાવે છે. દિવ્યાંગ પ્રવાસીઓ દ્વારા સોશિયલ મીડિયા પર રોજેરોજ અપલોડ થતાં વિડિઓ વિકટ પરિસ્થિતિ દર્શાવે છે.
આવા એક વીડિયોમાં દિવ્યાંગ યાત્રીએ સીટ ખાલી કરવાનું કહેતા સક્ષમ પ્રવાસી એને ધમકાવતો જોવા મળે છે.
તો બીજા વીડિયોમાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલ પ્રવાસીઓને આરક્ષિત ડબ્બામાં પ્રવેશ કરતા અટકાવવાનો પ્રયાસ કરતી દેખાય છે. પરંતુ એને વધારાની સહાયના અભાવને કારણે અસહાય જણાય છે.
તો ત્રીજા વીડિયોમાં એક યાત્રી દિવ્યાંગ ડબ્બામાં એવી રીતે પ્રવેશ કરી રહ્યો છે કે એ સામાન્ય નાગરિકો માટેનો ડબ્બો હોય. જાણે એને કાયદા કાનૂન અને નિયમોની કઈ પડી નથી.
અખિલ રેલ યાત્રી કલ્યાણ સંઘ, મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ ડૉ. બિનુ વર્ગીસ સતત થઈ રહેલા નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.
ભારતીય રેલવે અધિનિયમ મુજબ દિવ્યાંગજન ડબ્બામાં અનધિકૃત મુસાફરી કરનારને ૫૦૦/- રૂપિયાનો દંડ કે છ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે. આમ છતાં ધસારાના સમયે સામાન્ય નાગરિકો આરક્ષિત ડબ્બામાં પ્રવાસ કરતા હોય છે.
આ અંગે રેલવે અધિકારીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને આવતા અઠવાડિયે જાગરૂકતા અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.






