MBVV પોલીસ કમિશનરને પત્ર લખી જાહેરાતો પાછળના લોકો સામે કડક પગલાંની માંગ
નવરાત્રિ પૂર્વે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ‘Rent A Garba Partner’ની જાહેરાતોને લઈને મીરા-ભાયંદરમાં પણ સવાલો ઊભા થયા છે. ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ મામલે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરને પત્ર લખી આવી જાહેરાતો તથા તેને ચલાવનારાઓ સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં ફરતી આ જાહેરાતોમાં એકલા ગરબા રમવા માંગતા લોકો માટે યુવક કે યુવતીને ‘પાર્ટનર’ તરીકે ઉપલબ્ધ કરાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિવિધ પેકેજમાં અલગ-અલગ રકમ વસૂલવાની વાત પણ સામે આવી છે. દેશના કેટલાક શહેરોમાં આવી પોસ્ટ્સ વાયરલ થયા બાદ સાયબર સુરક્ષાને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે.
નરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ, આવી પ્રવૃત્તિઓથી ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે જોખમ ઊભું થઈ શકે છે. તેમણે પોલીસને જાહેરાતો પાછળ કોણ છે, તેમની હકીકત શું છે અને કોઈ છેતરપિંડી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી ને તેની તપાસ કરવા અપીલ કરી છે. સાયબર અધિકારીઓએ પણ અજાણ્યા પ્રોફાઇલને પૈસા ટ્રાન્સફર ન કરવાની સલાહ આપી છે.
મીરા-ભાયંદરમાં યોજાનારા ગરબા કાર્યક્રમોમાં આવનારા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની ખાતરી આપતા મહેતાએ જણાવ્યું કે પોલીસ ઉપરાંત પ્રાઇવેટ સિક્યુરિટી અને કાર્યકરો પણ તહેનાત રહેશે. અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સીસીટીવી કેમેરા મારફતે પણ સતત નજર રાખવામાં આવશે.
તેમણે સ્પષ્ટપણે માંગ કરી છે કે આવી જાહેરાતો ચલાવનારાઓની ઓળખ કરી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી નવરાત્રિ જેવા ઉત્સવમાં લોકો નિર્ભય બની ગરબાનો આનંદ માણી શકે.





