મુંબઈના જાણીતા શિક્ષણશાસ્ત્રી ડૉ. વિનય જૈને મલાડ સ્થિત સીએ મનોજ દોશી વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં કલમ 316, 318 હેઠળ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે સીએ વિરુદ્ધ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડૉ. વિનય જૈને કરેલી ફરિયાદ મુજબ, મનોજ દોશીએ મલાડની એક મિલકત ડૉ. વિનય જૈનને વેચી હતી અને એ પેટે RTGS દ્વારા 9 કરોડ રૂપિયા લીધા હતા. પૈસા મંળ્યા બાદ મનોજ દોશીએ છેલ્લા આઠ મહિનાથી મિલકતના વેચાણખતની સાથે રજિસ્ટ્રેશન માટે સહી આપવાની ના પાડવાની સાથે વધુ રકમની માંગણી કરી. એટલું જ નહીં જૈનને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ડૉ. વિનય જૈનને છેતરપિંડી થઈ રહી હોવાનું લાગતા મનોજ દોશી વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. વિનય જૈન એક પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી છે, અને વિટ્ટી ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ હોસ્ટેલના સ્થાપક છે, તેમ જ મુંબઈની અત્યંત પ્રતિષ્ઠિત એવી ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડન્ટ પણ છે. ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓમાં પ્રતિષ્ઠિત હોદ્દા પર રહીને સામાજિક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ડૉ.વિનય જૈન સામાજિક અને શૈક્ષણિક જગતમાં પ્રતિષ્ઠિત નામ છે.
છેતરપિંડીની આ ફરિયાદને ગંભીરતાથી લઈને મલાડ પોલીસે એફઆઈઆર નોંધીને સઘન તપાસ શરૂ કરી છે. આ એફઆઈઆર પછી મનોજ દોશી દ્વારા છેતરપિંડી અને બ્લેકમેઈલ કરવામાં આવેલા ઘણા વધુ બિઝનેસમેન તેમની ફરિયાદ લઈને આગળ આવી શકે છે. એવી પણ આશંકા છે કે મુંબઈ પોલીસ લાંચ અને ભ્રષ્ટાચારના આ કેસમાં વધુ તપાસ માટે સીબીઆઈ અને ઈડીને પણ સામેલ કરી શકે છે.
આ બાબતે સીએ મનોજ દોશીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ટિપ્પણી માટે ઉપલબ્ધ નહોતા.