શહરેની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે એક ડૉક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરવાની સાથે બાળકોની ચોરીમાં સામેલ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓમાં મોટાભાગની મહિલાઓ થાણેના બે મેટરનિટી હૉમમાં એજન્ટ તરીકે કામ કરતી હતી. પોલીસે બે બાળકોને પણ ઉગાર્યાં હતાં અને એના માતા-પિતાની સાથોસાથ નિસંતાન દંપતિને પણ શોધી કાઢ્યા હતા જેમણે બાળકો ખરીદ્યાં હતા.
ધરપકડ કરાયેલાઓમાં વંદના પવાર (28), શીતલ વારે (41), સ્નેહા સૂર્યવંશી (24), નસીમા ખાન (28), લતા સુરવાડે (36), શરદ દેવાર (45) અને ડૉ. સંજય ખંડારે (42)નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યા મુજબ ડૉક્ટર ખંડારે હોમિયોપેથ છે અને થાણે ખાતે હોસ્પિટલ ચલાવે છે. તપાસ દરપમિયાન પોલીસે કુલ બાર બાળકો વિશે જાણકારી મળી, જેને વેચવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં નિસંતાન દંપતિઓને વેચવામાં આવ્યા હતા. બાળકોની ભાળ મેળવવા માટે પોલીસની ટુકડી આ બંને રાજ્યોમાં પહોંચી છે. પાંચ દિવસથી લઈ નવ મહિનાનાં બાળકોને સપ્ટેમ્બર 2022 અને ફેબ્રુઆરી 2024 દરમિયાન વેચવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમને 27 એપ્રિલે જાણકારી મળી કે વિક્રોલી નિવાસી કાંતા પેડનેકરે 13 સપ્ટેમ્બરે શીતલ વારેના માધ્યમથી કથિતપણે એના દીકરાને બે લાખ રૂપિયામાં રત્નાગીરીના યુગલને વેચ્યો હતો.
વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધયા બાદ વારે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે ધરપકડ કરાયેલી તમામ મહિલાઓ અગાઉ મેટરનિટી હૉમમાં તેમના અંડનું દાન કરતી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (એન્ફોર્સમેન્ટ) રાગસુધા આરએ જણાવ્યું કે, અમે રત્નાગીરીથી પેડનેકરના દીકરા અને એક અન્ય બાળકીને ઉગારી હતી. આ બાળકીનાં માતા-પિતા નાલાસોપારામાં રહે છે. નાલાસોપારાની બાળકીને મલાડમાં એક યુગલને વેચવામાં આવ્યું હતું.