મહારાષ્ટ્રનો અહમદનગર જિલ્લો હવે અહિલ્યાનગર તરીકે ઓળખાશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જિલ્લાનું નામ બદલવાની જાહેરાત કરી હતી. બુધવારે (31 મે) અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય પ્રધાન શિંદેએ આ જાહેરાત કરી હતી. જિલ્લાનું નામ બદલવાની માંગ ઘણા વરસોથી કરવામાં આવી રહી હતી. બુધવારે એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અહિલ્યાબાઈના જન્મસ્થળ પહોંચ્યા હતા. આ અગાઉ ઔરંગાબાદનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નામ ‘ધારાશિવ’ રાખવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્દોર એરપોર્ટનું નામ ‘દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ’ કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર (સોલાપુર)ની બે યુનિવર્સિટીઓ તેમના નામ પર છે. તેમની યાદમાં અનેક રસ્તાઓ, ઇમારતો, જાહેર સ્થળોના પણ નામકરણ કરવામાં આવ્યા છે.
અહિલ્યાદેવી હોલકરનો જન્મ 1725ની સાલમાં અહમદનગર જિલ્લાના ચૌંડી ગામના એક મરાઠી પરિવારમાં થયો હતો. લગ્ન બાદ તેઓ માલવા રાજ્યનાં રાણી બન્યાં હતાં. (1767 થી તેમના મૃત્યુ સુધી). બાળપણથી જ તેઓ લોકોને સહાયરૂપ બનતાં હતાં. 1733માં નાની ઉંમરે તેમનાં લગ્ન ખંડેરાવ સાથે થયાં હતાં. 1754માં, ખંડેરાવે યુદ્ધ દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી. ત્યાર બાદ અહિલ્યાદેવીને હોલકર સામ્રાજ્યની કમાન સોંપવામાં આવી. તેમને ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ રાણીઓમાંનાં એક ગણવામાં આવે છે. અહિલ્યાબાઈ હોલકરને દેશના વિવિધ ભાગોમાં અનેક ધર્મશાળાઓ બનાવવાનું શ્રેય આપવામાં આવે છે. 13 ઓગસ્ટ 1795ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.
અહિલ્યાબાઈની જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત દેશભરના નેતાઓએ તેમને યાદ કર્યા. વડા પ્રધાન મોદીએ રાજસ્થાનના પુષ્કર સ્થિત એક રેલીમાં કહ્યું, “આજે દેવી અહિલ્યાબાઈ હોલકરજીની પણ જન્મજયંતિ છે. દેશની જનતાને રાષ્ટ્ર નિર્માણ માટે કર્તવ્યનો માર્ગ બતાવવા બદલ દેવી અહિલ્યાજીને દેશ હંમેશા યાદ રાખશે. હું આદરપૂર્વક દેવી અહિલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ અર્પું છું.