કોસ્ટલ રોડ અને બાન્દ્રા વરલી સી લિન્કને જોડતા પહેલા મહાકાય ગર્ડરને આજે પરોઢિયે 3.25 વાગ્યે સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યું હતું. મધરાતે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમુદ્રની ભરતી-ઓટના સમયની જાણકારી મેળવ્યા બાદ ગર્ડર દ્વારા બંને રોડને જોડવાનું આયોજન મહાપાલિકા દ્વારા હાથ ધરાયું હતું. ભારતમાં પહેલીવાર આ પ્રકારનું ગર્ડર મુંબઈ ખાતે બેસાડવામાં પાલિકા પ્રશાસન યશસ્વી થતાં મહાપાલિકાની યશકલગીમાં ઓર એક પીછું ઉમેરાયું હતું.
મધરાતે બે વાગ્યાથી શરૂ થયેલું કામ પરોઢિયે 3.25 વાગ્યે સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભૂષણ ગગરાણી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અમિત સૈની અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેર ગગરાણીએ મુંબઈ કૉસ્ટલ રોડ પ્રોજેક્ટની ટીમનું અભિવાદન કર્યું હતું.
કુલ 10.8 કિલોમીટર લાંબા એવા મુંબઈ કૉસ્ટલ રોડ પ્રોજેક્ટનો મુંબઈ કૉસ્ટલ રોડ અને બાન્દ્રા વરલી સી લિન્કને જોડતો તબક્કો સૌથી વધુ પડકારજનક હતો. બંને રોડના છેડાને જોડવા માટે મહાપાલિકાએ ઝીણવટપૂર્વકનું આયોજન કર્યું હતું. બંને છેડાને જોડનારો પહેલો ગર્ર ગુરુવાર 25 એપ્રિલના સવારે 4 વાગ્યે બાન્દ્ર વરલી સી લિન્ક પાસે લાવવામાં આવ્યો હતો.
આ મહાકાય ગર્ડર વરલીથી નરિમાન પોઇન્ટ તરફ જતાં રોડ પર બેસાડવામાં આવ્યો છે. બે હજાર મેટ્રિક ટન વજનનું ગર્ડર 136 મીટર લાંબું અને 18થી 29 મીટર પહોળું છે. હરિયાણાના અંબાલા ખાતે ગર્ડરના નાના નાના ભાગ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યાંથી એક-બે નહીં પૂરા 500 ટ્રેલરમાં મુંબઈ લાવવામાં આવ્યા. બધા છૂટા ભાગોને જોડી નવી મુંબઈના ન્હાવા બંદરેથી ટ્રોલરથી ગર્ડરને વરલી લાવવામાં આવ્યું હતું.
મુંબઈના કૉસ્ટલ રોડ અને બાન્દ્રા વરલી સી લિન્કને જોડતા ગર્ડર પર હવે સિમેન્ટ કોન્ક્રીટીકરણ કરવામાં આવશે. ગર્ડરને કાટ ન લાગે એ માટે જપાનની સી-5 ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત અલ્ટ્રા મોડર્ન વેલ્ડિંગ ટેક્નિક દ્વારા ગર્ડરના છૂટા ભાગોને જોડવામાં આવ્યા છે.