‘શરદ પવાર ભાજપ સાથે નહીં આવે’ – ફડણવીસનું સ્પષ્ટ નિવેદન, ચર્ચાઓ પર લાગી બ્રેક
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર નવા રાજકીય સમીકરણોની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદચંદ્ર પવાર)ના નેતા જયંત પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે થયેલી કથિત મુલાકાત બાદ શરદ પવારનો પક્ષ મહાયુતિમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે, મુખ્યમંત્રી એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલ મહાયુતિમાં કોઈ નવા પક્ષના પ્રવેશનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
ફડણવીસે અફવાઓને ફગાવી
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં ફડણવીસે જણાવ્યું કે ભાજપનો કોઈપણ પક્ષમાં તોડફોડ કરવાનો કે કોઈ પક્ષના ધારાસભ્યો અથવા સાંસદોને પોતાની તરફ ખેંચવાનો ઈરાદો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે હાલની મહાયુતિ મજબૂત છે અને આગામી ચૂંટણી પણ આ જ ગઠબંધન સાથે લડવામાં આવશે.
રાષ્ટ્રવાદી તરફથી પણ સ્પષ્ટતા
તાજેતરમાં ‘ઓપરેશન ટાઈગર’ બાદ રાજ્યમાં રાજકીય હલચલ વધી હતી, જેના પગલે શરદ પવારની રાષ્ટ્રવાદીમાં પણ ભંગાણ પડશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. પરંતુ પક્ષના નેતાએ આવી તમામ વાતોને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમનો પક્ષ વર્ષોથી ભાજપની વિચારધારા સામે લડી રહ્યો છે અને ખેડૂતોના પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે.
બીજી તરફ સાંસદ સુપ્રિયા સુળેએ પણ જયંત પાટીલ અને વિનોદ તાવડે વચ્ચેની કથિત મુલાકાતને સામાન્ય અને કામકાજ સંબંધિત મુલાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે આવી મુલાકાતોને રાજકીય રંગ આપવાની જરૂર નથી.
રાજકારણમાં અટકળો યથાવત્
દેવેન્દ્ર ફડણવીસના સ્પષ્ટ નિવેદન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓના ખુલાસા બાદ હાલ માટે શરદ પવારનો પક્ષ ભાજપ અથવા મહાયુતિમાં જોડાશે તેવી અટકળો પર વિરામ લાગ્યો છે. તેમ છતાં મહારાષ્ટ્રના રાજકારણમાં બદલાતા સમીકરણોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ હજુ પણ ચાલુ છે.





