રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. પાર્ટીના ઘડિયાળ પ્રતીક પર લડાયેલી બેઠકોમાં NCPના 38 મેયર અને આશરે 1,100 કોર્પોરેટરો સીધા ચૂંટ્યા હોવાનું પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સુનિલ તટકરે જણાવ્યું હતું.
મુંબઈ સ્થિત પક્ષના કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં સુનિલ તટકરે જણાવ્યું કે NCPએ કુલ 3,681 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાં કેટલાક વિસ્તારોમાં પાર્ટીએ એકલા લડત આપી હતી, જ્યારે ક્યાંક ભાજપ-NCP અથવા NCP-શિવસેના ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી. રાજ્યના મતદાતાઓએ મહાયુતિના ભાગરૂપે NCPને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
તટકરે વધુમાં કહ્યું કે, પાર્ટીની સત્તાવાર યાદી ઉપરાંત સ્થાનિક જોડાણો અને વિકાસ આધારિત સમજૂતીઓ દ્વારા પણ ઘણા ઉમેદવારો જીત્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં NCPનો સ્ટ્રાઇક રેટ સારો રહ્યો છે, જે પાર્ટી માટે હકારાત્મક સંકેત છે.
આ પ્રચારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તથા નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવાર, સાંસદ પ્રફુલ્લ પટેલ સહિત સ્ટાર પ્રચારકોની મહત્વની ભૂમિકા રહી હતી. આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ માટે પણ આવું જ આયોજન કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું.






