ત્રણ દિવસમાં 400 બસ રૂટ પ્રભાવિત, અંદાજે 2 કરોડ રૂપિયાની આવક પર પાણી ફરી વળ્યું
મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા ભારે વરસાદે માત્ર જનજીવન જ નહીં, પરંતુ બેસ્ટ બસ સેવાને પણ મોટો ફટકો આપ્યો છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં શહેરના લગભગ 400 બસ રૂટ પ્રભાવિત થયા છે, જેના કારણે બેસ્ટને અંદાજે 2 કરોડ રૂપિયાની આવકનું નુકસાન સહન કરવું પડ્યું છે.
બેસ્ટ દરરોજ આશરે 22થી 23 લાખ મુસાફરોને સેવા આપે છે અને તેની 2,700 બસો શહેર તથા ઉપનગરોમાં દોડે છે. જોકે શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદ દરમિયાન રવિવાર અને સોમવારે શહેરમાં 300થી વધુ વૃક્ષો પડી જતાં અનેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા. પરિણામે બેસ્ટને અનેક બસોના રૂટ બદલવાની ફરજ પડી.
સાકીનાકા, અંધેરી, ભાંડુપ, મુલુંડ, કોલાબા, ચેમ્બુર અને એન્ટોપ હિલ જેવા વિસ્તારોમાં વૃક્ષો પડવાથી બસ સેવા ખોરવાઈ ગઈ હતી. જ્યારે કામાણી, સાયન, ગાંધી માર્કેટ, હિંદમાતા, જોગેશ્વરી, વિદ્યાવિહાર અને કુર્લા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા બસોને વૈકલ્પિક માર્ગોથી દોડાવવી પડી.
લાંબા રૂટના કારણે મુસાફરોનો પ્રવાસ સમય વધ્યો, અનેક બસો સમયસર ન પહોંચતાં બસ સ્ટોપ પર કલાકો સુધી રાહ જોવાની નોબત આવી. ભારે વરસાદ કરતાં રસ્તાઓ પર પડેલા વૃક્ષોએ બેસ્ટની ગતિને વધુ અસર પહોંચાડી અને મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરાવ્યો.






