ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી એક મૌલવીની ધરપકડ કરી છે. સોહેબ અબુ બકર પર હિન્દુવાદી નેતા રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. ઉપરાંત દેશનાં જાણીતા હિન્દુવાદી નેતા પણ તેના ટાર્ગેટમાં હતાં. પોલીસને મૌલવીના મોબાઇલમાંથી નેપાળ અને પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે. આરોપ એ પણ છે કે મૌલવી ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એની પૂછપરછ કરી રહી છે.
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતે જણાવ્યું કે, મૌલાનાના મોબાઇલમાંથી પોલીસને અનેક મહત્વની જાણકારી મળી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મૌલાના દેશના ટોચના હિન્દુ નેતાઓ પર હુમલો કરવાની અને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલો આરોપી મૌલાના દેશના દુશ્મન દેશ સાથે પણ સંપર્કમાં હતો અને દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યો હતો.
બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો. પોલીસ કમિશનર ગહલોતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મૌલાના સોહેલ અબુ બકર અંગે મોટો ખુલાસો કર્યો હતો. તોમણે કહ્યું કે, મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કઠોર ગામનો રહેવાસી છે. આરોપી દોરા બનાવતી ફેક્ટરમાં મેનેજર તરીકે કામ કરતો હતો. ઉપરાંત ગામના નાના બાળકોને ધાર્મિક શિક્ષણ પણ આપતો હતો. એની જ્યારે ધરપકડ કરી પૂછપરછ કરાઈ અને એના મોબાઇલની ચકાસણી કરવામાં આવીતો અમુક ચોંકાવનારી ચેટિંગ અને કૉલની ડીટેલ મળી.
મૌલાનાના ફોનમાં સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના અધ્યક્ષ અને હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને મારવાના પ્લાનિંગની ચેટ હતી. ઉપરાંત હૈદરાબાદના ભાજપના વિધાનસભ્ય રાજા સિંહ અને નૂપુર શર્મા ઉપરાંત એક ટીવી ચૅનલના એડિટરને ધમકી આપવા અને તેમને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ આરોપીના ફોનમાંથી મળી આવ્યું હતું. મૌલાનાએ એના મોબાઇલથી પાકિસ્તાન અને નેપાળ ખાતે અનેકવાર કૉલ કર્યા હતા. પાકિસ્તાનથી હથિયાર મગાવવાની વાતનો પણ ચેટમાં ખુલાસો થયો છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ઉપદેશ રાણાને આ વરસે 4 જાન્યુઆરીના રાત્રે સાડા દસ વાગ્યે અજાણ્યા નંબરથી ફોન આવ્યો. ફોન કરનાર અજ્ઞાત વ્યક્તિએ રાણાને કહ્યું કે, તું સુરતમાં ક્યા છુપાયો છે એનું સરનામું જાતે જ આપી દે. જો નહીં કહે તો તને તો અમે શોધી કાઢશું. અમારું પૂરું ગ્રુપ સુરતમાં આવી ગયું છે. . તારી ગર્દન ઉઠાવીને લઈ જશું. ધમકી મળ્યા બાદ ઉપદેશે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉપદેશે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસમાં શંકાની સોઈ મૌલાના તરફ તકાતી હતી. શનિવારે મૌલાનાની ધરપકડ કર્યા બાદ એના ફોનની કૉલ ડીટેલમાં ધમકી આપવાની ચેટ મળી. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. આરોપી પકડાઈ ન જવાય એ માટે એના ટાર્ગેટને અલગ નામથી બોલાવતા હતા. જેમકે ઉપદેશ રાણાનું નામ ઢક્કન રાખ્યું હતું.
મૌલાના મૂળ નંદુરબાર જિલ્લાના નવાપુરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ મૌલાના પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે સંપર્કમાં હતો. વાતચીત માટે લુડો જેવી ઑનલાઇન ગેમનો ઉપયોગ કરતો હતો, જેમાં ચેટિંગ થઈ શકે છે. આરોપીના ગ્રુપમાં અન્ય દેશોના લોકો પણ જોડાયેલા હતા. જેમાં પાકિસ્તાન, નેપાળ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, કઝાકિસ્તાન પણ સામેલ છે. આરોપીને પાકિસ્તાનના હેન્ડલરે પણ ખાતરી આપી હતી કે અમે વહેલી તકે તમને હથિયાર પહોંચાડીશું. મૌલવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 153(એ), 467, 468 અને 120(બી) હેઠળ ગુનો નોંધ્યો છે.