ફિલ્મ હોય કે વેબ સિરીઝ, હિન્દુ વિરોધી કન્ટેન્ટ દર્શાવવાની જાણે એક ફૅશન ચાલી રહી છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી દક્ષિણ ભારતીય ફિલ્મ જે હિન્દીમાં પણ ડબ કરવામાં આવી છે એમાં આવા ભરપુર દૃશ્યો જોવા મળે છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે એક બ્રાહ્મણ પરિવારની દીકરી બિરયાનીને સ્વાદિષ્ટ બનાવવા નમાજ પઢવા લાગે છે. તો ફિલ્મનો હીરો એના મગજમાં ઠસાવે છે કે ભગવાન શ્રી રામ પણ માંસ ખાતા હતા. આવી વિવાદાસ્પદ બાબતો દર્શાવવા માટે ફિલ્મ અને એને પ્રમોટ કરનાર નેટફ્લિક્સ વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હિન્દુ આઈટી સેલના સ્થાપક રમેશ સોલંકીએ તેમના એક્સ અકાઉન્ટ પર લખ્યું કે, મેં એન્ટી હિન્દુ કન્ટેન્ટ માટે ઝી અને નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આજે જ્યારે સમગ્ર દુનિયા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની તૈયારી કરી રહી છે એવા સમયે હિન્દુ વિરોધી ફિલ્મ અન્નપૂર્ણિની નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો અને ટ્રાઇડેન્ટ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મની હીરોઇન જે એક પૂજારીની દીકરી છે જેને બિરયાની બનાવતી વખતે નમાજ પઢતી દર્શાવી છે. તો હીરો (ફરહાન) હીરોઇનને એમ કહી મટન ખાવા પ્રેરિત કરે છે કે ભગવાન શ્રી રામ પણ વનવાસ દરમિયાન માંસ ખાતા હતા. એ સાથે રમેશ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ દ્વારા લવ જેહાદને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
રમેશ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ પ્રાણ પ્રતિષ્ઠા ટાંકણે એટલા માટે રિલીઝ કરવામાં આવી છે કે હિન્દુઓની લાગણી દુભાય. ફરિયાદમાં તેમણે ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે નેટફ્લિક્સ, ઝી ઉપરાંત ફિલ્મના કલાકારો નીલેશ કૃષ્ણા, જયનયનતારા, જતિન સેઠી, આર. રવિન્દ્રન, પુનીત ગોએન્કા, શરીક પટેલ, મોનિકા શેરગિલના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અન્નપૂર્ણિની ફિલ્મનો વિરોધ છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યો છે. લોકોનો આક્રોશ એક વાતે છે કે ખાવાની વસ્તુ પર બનાવાયેલી ફિલ્મમાં ધર્મને કેમ ઘુસાડવામાં આવ્યો. ફિલ્મમાં એક પૂજારીની દીકરીના બૉયફ્રેન્ડ મુસ્લિમ બતાવવામાં આવ્યો છે. એટલું જ નહીં હીરોઇનને પૂજાપાઠ કરવાને બદલે ઇફ્તારી કરતી દર્શાવાઈ છે.
તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફિલ્મના એક દૃશ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણ યુવતી રિયાલિટી શો શેફ ઇન્ડિયામાં નમાજ પઢીને બિરયાની બનાવે છે. આ અંગે એને જ્યારે પૂછવામાં આવ્યું કે એણે આમ કેમ કર્યું તો એ કહે છે કે બિરયાની બનાવતા જેણે શીખવ્યું એમણે કહ્યું હતું કે નમાજ પઢવાથી બિરયાની સ્વાદિષ્ટ બને છે.
ફિલ્મના ઓર એક દૃશ્યમાં હીરોઇન મટન ખાવા પ્રેરિત કરવા ભગવાન શ્રીરામને બદનામ કરે છે. હીરો વાલ્મિકી રામાયણનો સંદર્ભ આપી કહે છે કે વનવાસ દરમિયાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા જાનવરોનું માંસ ખાતા હતાં. આ સીનની ક્લિપ વાયરલ થતાં હિન્દુ વિરોધી માનસિકતા ધરાવનારા એનો ઉપયોગ સનાતન ધર્મને બદનામ કરવા માટે કરી રહ્યા છે. જ્યારે હિન્દુઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આવું કયા ગ્રંથમાં લખવામાં આવ્યું છે.