દિલ્હી બાદ ગુજરાતની પાલિકાની ચૂંટમીમાં કોંગ્રેસ કરતા સારો દેખાવ કરનાર આમ આદમી પાર્ટીએ આવતા વરસે યોજાનારી વિધાન સભાની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં શરૂ કરી છે. તાજેતરમાં વીટીવીના એડિટર ઇશુદાન ગઢવી બાદ સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ રવિવારે સવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં એન્ટ્રી કરી છે.
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ગુજરાતના સફળ ઉદ્યોગપતિ અને પ્રસિદ્ધ સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહેશભાઈનું આપ પરિવારમાં સ્વાગત છે. ગુજરાતની રાજનીતિ એક નવા વળાંક પર છે. સુરતમાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન સિસોદિયાએ જણાવ્યુ કે, આપ ગુજરાતમાં એક ખાલી પ્લૉટ જેવી છે, જ્યાં રાજ્યની નવી અને આધુનિક રાજનીતિનું ઘર બનાવી શકાય એમ છે. ને એનો પાયો મજબૂત કરવા અમે આમ આદમી પાર્ટીમાં મહેશજીનું સ્વાગત કરીએ છીએ.
સિસોદિયાએ વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વિકાસ દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે.
દર વરસે દિવાળીમાં બોનસ તરીકે સુરતના હીરાના વેપારી મહેશ સવાણી તેમના કર્મચારીઓને કાર, ફ્લૅટ જેવી ભેટ આપવા માટે વિખ્યાત છે. ઉપરાંત તેમણે પાંચસોથી વધુ છોકરીઓનાં લગ્ન પણ કરાવ્યા છે. આ બધાને કારણે મહેશ સવાણી ગુજરાત જ નહીં દેશભરમાં જાણીતા છે.
Comments 1