ભારતીય હવામાન ખાતા (આઈએમડી)એ કરેલી આગાહી મુજબ રવિવારે સમગ્ર શહેરમાં ગરમ અને સૂકી પવન ફૂંકાયો હતો. અરબી સમુદ્રમાં એન્ટીસાઇક્લોનિક સર્ક્યુલેશન અને મુંબઈ ઉપર નીચલા સ્તરની પૂર્વ તરફની હવાને કારણે ગરમ હવા ફૂંકાઈ રહી હતી.
રવિવારે મુંબઈના પશ્ચિમના ઉપનગર રામ મંદિર ખાતે દિવસનું સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. જ્યારે પૂર્વના ઉપનગર વિદ્યાવિહાર 40.4 ડિગ્રી સેલ્શિયસ સાથે બીજા ક્રમાંક પર હતું. જ્ય.રે માટુંગામાં 37.5 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું.
થાણે જિલ્લામાં કોપર ખૈરણેના રહેવાસીઓને 43.1 ડિગ્રી સેલ્શિયસ, ભાયંદરમાં 42.3 તો મીરા રોડમાં 39.8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. રાયગડ જિલ્લામાં પનવેલ ખાતે સૌથી વધુ 43.7 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું.
સાંતાક્રુઝ સ્થિત આઈએમડીના હવામાન કેન્દ્ર ખાતે મુંબઈનું મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા 4.4 ડિગ્રી વધુ હતું. ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગ્યે 61 ટકા હતું જે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટીને 40 ટકા થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે આઈએમડીએ મુંબઈ અને એની આસપાસના શહેરો માટે યલો એલર્ટની આગાહી કરી હતી.
16 એપ્રિલ છેલ્લા એક દાયકાનો એપ્રિલ મહિનાનો સૌથી વધુ ગરમ દિવસ હતો. એ દિવસે મહત્તમ તાપમાન 39. 7 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 6.3 ડિગ્રી વધુ હતું.
Comments 1