રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્મશાનને પર્યાવરણ અનુકુળ સ્મૉક ન્યુસંસ એબેટમેન્ટ સિસ્ટમની પરિકલ્પના કરવામાં આવી છે.
મૃતકોને આદરપૂર્વક અંતિમ વિદાય આપવા માટે રાજ્ય સરકારે જોડિયા શહેરના સમ્શાન ગૃહના આધુનિકીકરણના પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરૂં પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા સતત કરવામાં આવેલા પ્રયાસોને પગલે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયે ભંડોળ પૂરૂં પાડવાની સહમતિ આપવાની સાથે આ પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સરકારી ઠરાવ (જીઆર) મુજબ આ વિસ્તારની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે સ્પેશિયલ પ્રોવિઝન સ્કીમ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રથમ તબક્કામાં પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
હાલ, આ જોડિયા શહેરમાં કુલ 14 સ્મશાનગૃહો છે જેનું સંચાલન અને જાળવણી મીરા-ભાયંદર મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે.
પરંપરાગત લાકડા, ગૅસ અને ઇલેક્ટ્રિક દ્વારા સંચાલિત ચિતાના વિકલ્પ ઉપરાંત તમામ સ્મશાન ગૃહોને અત્યાધુનિક બનાવવામાં આવશે. જેમાં દરેકમાં છત ધરાવતા પેવેલિયનો હશે, ઉપરાંત વિશાળ સ્કાયલાઇટ્સ હેઠળ અંતિમવિધિ કરી શકાશે ઉપરાંત લૅન્ડસ્કેપ ગાર્ડન પણ બનાવવામાં આવશે.
કેટલાક સ્મશાન ગૃહો ગીચ વસતિવાળા વિસ્તારોમાં આવેલા હોવાથી એ વિસ્તારમાં રહેતા નાગરિકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હોવાથી એના નિવારણ માટે ધુમાડો અને ભઠ્ઠીના ઉત્સર્જનને ઘટાડવા માટે સ્મૉક-ન્યુસંસ એબેટમેન્ટ સિસ્ટમ નામની ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ઝેરી વાયુ પર્યાવરણને અનુકુળ રહેવા માટેના કાર્યક્રમ ગો ગ્રીન, ગો ક્લીન અભિયાનનો એક ભાગ છે, એમ પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
સ્મશાન ગૃહોમાં રેઇન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલર પાવર પર ચાલતી એલઈડી લાઇટ્સ અને સીસીટીવી કેમેરા પણ બેસાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો કરવાનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. જ્યારે પાલિકા પ્રશાસન એના અમલીકરણ અને જાળવણીની જવાબદારી સંભાળશે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.






