દેશભરમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે મુંબઈમાં રમતોત્સવનો માહોલ બની રહ્યો છે. મુંબઈના વિખ્યાત જિમખાનાઓ વચ્ચે ઓલિમ્પિક સ્તરના ખેલ મહોત્સવ NSCI ઓલિમ્પિયાનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના ઇતિહાસમાં કદાચ પહેલીવાર જેનું આયોજન થઈ રહ્યું છે એ ઇન્ટર ક્લબ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તળ મુંબઈ અને પરાની અનેક સ્પોર્ટ્સ ક્લબ ભાગ લઈ રહી છે. મુંબઈના સૌથી જૂના જિમખાનાઓમાંના એક પી. જે. હિન્દુ જિમખાનાના ખેલાડીઓ પણ ઓલિમ્પિયામાં ભાગ લઈ રહ્યા છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલી ટીમોને શુભેચ્છા આપવા તથા કેપ્ટનના નામોની જાહેરાત કરવા એક કાર્યક્રમનું આયોજન હિન્દુ જિમખાના ખાતે કરવામાં આવ્યું હતું.
ઇવેન્ટ દરમિયાન જિમખાનાના સેક્રેટરી જનરલે જણાવ્યું કે, વરલી સ્થિત એનએસસીઆઈના પદાધિકારીઓની પરિકલ્પનાના આધારે ઇન્ટર ક્લબ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટમાં કુલ દસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી આઠ રમતો ટેબલ ટેનિસ, ટેનિસ, બિલિયર્ડ-સ્નૂકર, સ્વિમિંગ, ક્રિકેટ, ફૂટબોલ, વૉલિબોલ અને બેડમિન્ટનમાં અમારી ટીમ ભાગ લઈ રહી છે.
NSCI ઓલિમ્પિયાના આયોજનનો મૂળ ઉદ્દેશ છે બધી ક્લબના સભ્યો વચ્ચે તાલમેળની સાથે સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં વધારો થાય. ઇવેન્ટમાં સીસીઆઈ, ગરવારે, એનએસસીઆઈ, જુહુ જિમખાના, ખાર જિમખાના. માટુંગા જિમખાના અને ચેમ્બુર જિમખાના જેવી વિખ્યાત સ્પોર્ટ્સ ક્લબ ભાગ લઈ રહી છે. ઇવેન્ટમાં રોકડ ઇનામ આપવામાં નહીં આવે. પરંતુ વિજેતાઓને ટ્રોફી અને મેડલ આપી નવાજવામાં આવશે.
હિન્દુ જિમખાનાની તૈયારીઓ અંગે જણાવતા સેક્રેટરીએ જણાવ્યું કે, જિમખાનાના ખેલાડીઓ પુષ્કળ તૈયારી કરી રહ્યા છે. દરેક રમતના કૉચ તેમને સઘન તાલિમ આપી રહ્યા છે. અમારી પૂરી કોશિશ રહેશે કે અમે જે સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા છીએ એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીએ.
રમતની દુનિયામાં પી. જે. હિન્દુ જિમખાના આગવું સ્થાન ધરાવે છે. 120 વરસ જૂના જિમખાનાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ આપ્યા છે. એક સમયે ભારતની ક્રિકેટ ટીમમાં જિમખાનાના પાંચ-છ ખેલાડીઓ રમતા હતા. જ્યારે હાલના પ્રેસિડન્ટ અને બેટમિન્ટન કૉચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિજેતા રહી ચુક્યા છે.
Comments 2