સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ આટલા લાંબા સમયથી બહાર છે ત્યારે તેને જામીનને પડકારવા માટે સાત દિવસનો સમય કેમ ન આપવો જોઈએ.
સેતલવાડ તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલને ગયા વર્ષે 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે કહ્યું કે સેતલવાડે જામીનની કોઈ પણ શરતનો ભંગ કર્યો નથી.
ત્રણ જજોની બેન્ચે રાત્રે લગભગ 9.15 કલાકે સુનાવણી હાથ ધરી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે સેતલવાડ દસ મહિનાથી જામીન પર છે. કોર્ટે પૂછ્યું કે સેતલવાડને કસ્ટડીમાં લેવાની તાકીદ શું છે? કોર્ટે કહ્યું, “જો વચગાળાની રાહત આપવામાં આવે તો શું આસમાન તૂટી પડશે… હાઈકોર્ટે જે કર્યું તેનાથી અમને આશ્ચર્ય થયું.
અગાઉ શનિવારે (1 જુલાઈ), ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તિસ્તા સેતલવાડના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો અને તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલ્યા.
જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં “નિર્દોષ લોકોને” ફસાવવા માટે પુરાવાઓ બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિ એ ખોટો સંદેશ જશે કે લોકશાહી દેશમાં દરેક બાબતને ઉદારતાથી જોવામાં આવે છે.