24 એપ્રિલ, 1973ના ચુકાદો આવ્યો ત્યારે 13 જજોની બેન્ચે કહ્યું કે સરકારો બંધારણની ઉપર નથી
કેશવાનંદ ભારતી કેસની પચાસમી વર્ષગાઠ નિમિત્તે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદા પર ખાસ વેબ પેજ તૈયાર કર્યુ છે. ભારતના ચીફ જસ્ટિસ જી. વાય. ચંદ્રચુડે આ અંગેની જાણકારી આપી હતી કે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક કેશવાનદ ભારતી કેસની પચાસમી વર્ષગાઠ નિમિત્તે એક વેબ પેજ સમર્પિત કર્યુ છે. એમાં મૂળભૂત સિંદ્ધાંત અંગેની કેસ સાથે સંકળાયેલી તમામ સામગ્રી અપલોડ કરવામાં આવી છે. હકીકતમાં 24 એપ્રિલ, 1973ના તેર જજોની બંધારણિય પીઠે 7-6ની બહુમતિથી ચુકાદો આપ્યો હતો કે બંધારણના મૂળ સ્વરૂપમાં સંસદ દ્વારા કોઈ સુદારા થઈ શકે નહીં.
1973માં સુપ્રીમ કોર્ટમાં કેરળ સરકાર વિરુદ્ધ કેશવાનંદ ભારતીનો કેસ પહોંચ્યો. પહેલીવાર સુપ્રીમ કોર્ટના 13 જજો આ કેસની સુનાવણી માટે બેઠા. સતત 68 દિવસ સુધી દલીલો થઈ. આખરે 24 એપ્રિલ, 1973એ જ્યારે ચુકાદો આવ્યો ત્યારે 13 જજોની બેન્ચે કહ્યુ કે સરકારો બંધારણની ઉપર નથી. હકીકતમાં 1973માં કેરળ સરકારે ભૂમિ સુધારા માટે બે કાયદા બનાવ્યા હતા. આ કાયદા અંતર્ગત સરકાર મઠોની સંપત્તિ જપ્ત કરવા માગતી હતી. કેશવાનંદ ભારતીએ સરકાર વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી. કેશવાનંદ ભારતીએ કહ્યું કે બંધારણના અનુચ્છેદ 26 અંતર્ગત અમને ધર્મના પ્રચાર માટે સંસ્થા બનાવવાનો અધિકાર આપે છે. એવામાં સરકારે આ સંસ્થાની સંપત્તિ જપ્ત કરવાનો જે કાયદો બનાવયો છે એ બંધારણની વિરુદ્ધ છે.
કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એ સવાલ ઉપસ્થિત થયો કે શું સરકાર બંધારણની મૂળ ભાવનાઓને બદલી શકે છે? આ કેસની સુનાવણી માટે 13 જજની બેન્ચ બની. આ બેન્ચનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એસ. એમ. સિકરી કરી રહ્યા હતા. આ મામલે સાત જજોએ કેશવાનંદ ભારતીની તરફેણમાં તો છ જજોએ વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. ચુકાદામાં કોર્ટે ત્રણ મુખ્ય બાબત જણાવી હતી…
1) સરકાર બ્ધારણથી ઉપર નથી.
2) સરકાર બંધારણની મૂળ ભાવના એટલે કે મૂળ ઢાંચાને બદલી શકે નહીં.
3) સરકાર જો કોઈ પણ કાયદામાં ફેરફાર કરે તો કોર્ટ એની ન્યાયિક સમીક્ષા કરી શકે છે.