દર વરસની જેમ આ વરસે પણ બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા આયોજિત સમુહ લગ્નમાં એવી યુવતીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા જેમણે માતા-પિતા ગુમાવ્યા હોય, પિતાની છત્રછાયા ગુમાવી હોય કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતી હોય.
બાપા સીતારામ સેવા સંસ્થા દ્વારા છેલ્લા છ વરસથી (કોરોના મહામારીના બે વરસને બાદ કરતા) સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વરસે દસ યુવતીઓનાં લગ્ન મીરા રોડ સ્થિત મઢુલી ખાતે બાપા સીતારામની છત્રછાયા અને આશીર્વાદ સાથે કરાવવામાં આવ્યા હતાં. લગ્નમાં સામેલ દરેક યુવતીઓને ઘરવખરીની સામગ્રી સહિત અનેક વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી

સમુહ લગ્નમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો
આ વરસે કરિયાવરમાં સાચા હીરાની સોને મઢેલી ચૂંક, ચાંદીના કડા-ગાય-તુલસી ક્યારો, ઇમિટેશન ડાયમંડ જ્વેલરી સેટ, કબાટ, મિક્સર, ટોસ્ટર, 50-60 વાસણોનો સેટ, કાંસાના વાસણોનો સેટ, પંખો, ઇસ્ત્રી, ગાદી-ઓશિકા, પાંચ-પાંચ જોડી સાડી અને ડ્રેસ અને ખાસ સુરતમાં ડિઝાઇન કરાવેલા પાનેતર અને ચણિયા-ચોળી સહિત અનેક વસ્તુઓ અપાઈ હતી.
સમગ્ર કાર્યક્રમ અંગે રાજુ લિંબાણીએ જણાવ્યું કે, લગ્નમાં દરેક વરઘોડિયા માટે અલગ મંડપ તૈયાર કરવામાં વ્યો હતો તો પ્રત્યેક કપલ દીઠ બસો મહેમાનો લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન વિધિ બાદ રિસેપ્શન યોજાયા બાદ જાનૈયાઓ, દાતાઓ અને આયોજકોના આમંત્રિત મહેમાનો મળી છ-સાત હજાર લોકોનો જમણવાર યોજાયો હતો.

સમુહ લગ્નને સફળ બનાવનાર બાપા સીતારામ સેવા સંસ્થાના પદાધિકારીઓ
પૂર્વ નગરસેવક અને બાપા સીતારામ સેવા ટ્રસ્ટના અનિલ વિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રવીણ સુરકા, નિકુલ પટેલ, વિઠ્ઠલ લાઠિયા અને રાજુ લિંબાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
8 જાન્યુઆરી, 2023ના મઢુલી, બાપા સીતારામ મંદિર, ઇન્દ્રપ્રસ્થ બિલ્ડિંગની સામે, પૂનમ વિહાર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં મીરા-ભાયંદરના પર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, નગરસેવકો સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






