મુંબઈ સેન્ટ્રલ અને વલસાડથી ઉપડતી ખાતીપુરા સ્પેશિયલને અપાયો વધારાનો હોલ્ટ
રાજસ્થાનની રાજધાની જયપુરની સતત વધતી વસતિને કારણે સૌથી વધુ દબાણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રેલવે પર આવી રહ્યું છે. એકલા જયપુર જંકશ્નથી જ રોજના એકથી દોઢ લાખ પ્રવાસીઓ રેલવેમાં પ્રવાસ કરે છે. જેમ જેમ શહેરનો ફેલાવો વધતો જાય છે તેમ તેમ જયપુર જંક્શનનો બોજ ઓર વધતો જાય છે. આના નિરાકરણ માટે ખાતીપુરા રેલવે સ્ટેશનને બનાવવામાં આવ્યું છે જે જયપુર જંક્શનનો અડધો ભાર ઓછો કરાવવાની ક્ષમતા ધરાવે છે.

ખાતીપુરા સ્ટેશન તૈયાર થયા બાદ જયપુરમાં કુલ પાંચ રેલવે સ્ટેશન થયા છે. પહેલું જયપુર જંક્શન, બીજું ઢેહરનું બાલાજી. ત્રીજું દુર્ગાપુર રેલવે સ્ટેશન, ચૌથું ગાંધીનગર રેલવે સ્ટેશન અને પાંચમું ખાતીપુરા રેલવે સ્ટેશન. જોકે સૌથી મોટા રેલવે સ્ટેશન તરીકે જયપુર જંક્શન બાદ ખાતીપુરાનો નંબર આવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેન ક્રમાંક ૦૯૦૦૧/૦૯૦૦૨ મુંબઈ સેન્ટ્રલ – ખાતીપુરા સુપરફાસ્ટ સ્પેશિયલ અને ટ્રેન ક્રમાંક ૦૯૦૦૭/૦૯૦૦૮ વલસાડ – ખાતીપુરા સુપરફાસ્ટ એક્સપ્રેસને જયપુર સ્ટેશન પર ખાસ હોલ્ટ આપવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યા મુજબ ૨ જૂને, ૨૦૨૫ના મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન ક્રમાંક ૦૯૦૦૧ મુંબઈ સેન્ટ્રલ – ખાટીપુરાને જયપુર સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રેન જયપુર સ્ટેશન પર ૧૫.૪૫ વાગ્યે પહોંચશે અને ૧૫.૫૫ વાગ્યે ઉપડશે. એજ પ્રમાણે ૩ જૂન, ૨૦૨૫ના ખાતીપુરાથી ઉપડતી ટ્રેન ક્રમાંક ૦૯૦૦૨ ખાતીપુરા – મુંબઈ સેન્ટ્રલને પણ જયપુર સ્ટેશન પર વધારાનો હોલ્ટ અપાયો છે. આ ટ્રેન જયપુર સ્ટેશને ૧૭.૧૫ વાગ્યે પહોંચશે અને ૧૭.૨૫ વાગ્યે ઉપડશે.
જ્યારે ૫ જૂન, ૨૦૨૫ના વલસાડથી ઉપડતી ટ્રેન ક્રમાંક ૦૯૦૦૭ વલસાડ – ખાતીપુરા સ્પેશિયલને પણ જયપુર સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવામાં આવ્યો છે. આ ટ્રેન જયપુર સ્ટેશન પર ૦૭.૦૦ વાગ્યે પહોંચશે અને ૦૭.૧૦ વાગ્યે ઉપડશે. એજ રીતે ૬ જૂન, ૨૦૨૫ના ખાતીપુરા – વલસાડ સ્પેશિયલને જયપુર સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવામાં આવ્યો છે. ટ્રેન જયપુર સ્ટેશન પર ૧૭.૧૫ વાગ્યે પહોંચશે અને ૧૭.૨૫ વાગ્યે ઉપડશે.






